Loading Please Wait !!!
સોમનાથમાં 15 હોટલ અને ગેસ્ટહાઉસ પર GSTના દરોડા

  • સ્ટેટ GST વિભાગની સરપ્રાઈઝ કાર્યવાહીએ વેપારીઓમાં ફફડાટ
  • આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલની રાહબરી હેઠળ ચાર ટીમોનું એકસાથે ચેકિંગ
  • બિલિંગ, રિટર્ન અને હિસાબી દસ્તાવેજોની જીણવટભરી તપાસ
  • સીટી ન્યૂઝ@રવિ ખખ્ખર-ગીર સોમનાથ

દેશભરના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર એવા યાત્રાધામ સોમનાથમાં સ્ટેટ GST વિભાગે ટેક્સચોરી સામે સરપ્રાઈઝ કાર્યવાહી હાથ ધરી હતી. આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલની રાહબરી હેઠળ ચાર વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે એકસાથે આશરે ૧૫ હોટલ અને ગેસ્ટહાઉસમાં તપાસ શરૂ કરતાં વેપારી વર્તુળોમાં ભારે દોડધામ અને ફફડાટ ફેલાયો હતો. GSTની ટીમોએ હોટલોમાં પહોંચી રજિસ્ટ્રેશન, ટેક્સ રિટર્ન, બિલિંગ સિસ્ટમ, રોકડ અને ડિજિટલ વ્યવહારો, એકાઉન્ટ બુક તેમજ ખરીદી-વેચાણના દસ્તાવેજોની જીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટલ કૃષ્ણા, હોટલ શિવશક્તિ, હોટલ રૂદ્રા, હોટલ શિવમ, હોટલ શિવ કૃપા, હોટલ કૈલાસ, હોટલ શિવ સહિત અન્ય હોટલ અને ગેસ્ટહાઉસનો સમાવેશ થયો હતો. અધિકારીઓએ વાસ્તવિક ટર્નઓવર અને GST હેઠળ દર્શાવેલી આવક વચ્ચે કોઈ વિસંગતતા છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, યાત્રાધામ સોમનાથમાં હોટલ ઉદ્યોગમાં થતા મોટા વેપારને ધ્યાનમાં રાખી ટેક્સચોરી અટકાવવા અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિભાગ દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તપાસ પૂર્ણ થયા બાદ દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવશે અને જ્યાં ટેક્સચોરી અથવા GST કાયદાના ભંગના પુરાવા મળશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર લખાય છે ત્યાં સુધી સ્ટેટ GST વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું તેમજ કોઈ અનિયમિતતા કે ટેક્સચોરી અંગેની વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી.