Loading Please Wait !!!
વડોદરામાં ટ્રક પાછળ લક્ઝરી ઘૂસી 7નાં મોત 27ને ઈજા

સિટી ન્યૂઝ@વડોદરા

વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે (૧૭ જૂન) વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૭ના મોત થયા જેમાં એક નવ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તથા ૨૭ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરાયો હતો.

ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત પ્રવાસી બંસીલાલે જણાવ્યું હતું કે તે રાજસ્થાનથી સુરત કામ અર્થે જઈ રહ્યો હતો. વહેલી સવારે તે સૂતો હતો તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થયો હતો. તેની સાથે બસમાં અન્ય બે યુવકો પણ હતા.

કમાન્ડન્ટ NDRFના ૬ બટાલિયન કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે આજે સવારે ૪:૪૦ વાગ્યે કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે કોટંબી સ્ટેડિયમ પાસે એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ત્યાં પહોંચીને જોયું તો એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટીમે કટીંગ ટૂલ્સ અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.