વેરાવળ જુગાર દરોડા કાંડ 5 પોલીસ અધિકારીઓ લીવ રિઝર્વમાં
જુનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાનો સપાટો
-
જીલ્લા પોલીસવડાએ પણ સીટી ડી-સ્ટાફના 4 કર્મીઓને તાત્કાલિક ફરજમુક્ત કરી દેતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ
-
સ્થાનિક પોલીસની બેદરકારી સાંખી ન લેવાઈ, "જીલ્લાની બ્રાન્ચના કર્મીઓ સામે પણ પગલાં લેવાશે કે બચાવી લેવાશે?" તેવી ચર્ચા
હુમલાખોર 21 આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર બીજી તરફ, SMC ના દરોડા વખતે પોલીસ ટીમને ઘેરી લઈ પથ્થરમારો કરવાના, લાઈટી ફૂલ કરી જીવલેણ હુમલો કરવાના અને સરકારી ફરજમાં રૂકાવટના ગંભીર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૧ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ તમામ ૨૧ આરોપીઓના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ૪૦ નામજોગ અને ૨૦૦ ના અજાણ્યા ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, ત્યારે હવે રિમાન્ડ દરમિયાન પોલીસ આ જુગાર નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને હુમલામાં સામેલ અન્ય ફરાર શખ્સોને શોધી કાઢવા સઘન પૂછપરછ કરશે.
સિટી ન્યૂઝ@રવિ ખપ્પર-વેરાવળ
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ઢોણીવાડા વિસ્તારમાં ગત ૮ જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા દરમિયાન પોલીસ પર થયેલા હુમલા અને ફાયરિંગ પ્રકરણમાં હવે સ્થાનિક પોલીસ પર મોટી ગાજ વરસી છે. જુગારના આટલા મોટા નેટવર્ક અંગે અજાણ રહેવા બદલ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળતા બદલ ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક વલણ અપનાવીને એલસીબી (LCB) અને વેરાવળ સીટી પોલીસના ૫ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં ધકેલી દેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ મચી ગયો છે. આ પાંચેય અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકવાનો સીધો આદેશ અપાયો છે.
આ ઉપરાંત, મોડી સાંજે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાએ પણ લોકલ સ્તરે તવાઈ બોલાવી સીટી ડી-સ્ટાફ બ્રાન્ચના ૪ કર્મીઓ નટુભા બસીયા, અજીતસિંહ પરમાર, નરવણસિંહ ગોહિલ અને પ્રદીપસિંહ ખેરને ફરજમુક્ત કરી દીધા છે. પોલીસ વિભાગમાં ઉચ્ચકક્ષાએથી થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનેગારો સાથેની સાંઠગાંઠ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જોકે, સીટી પોલીસ સામે પગલાં લેવાયા બાદ હવે જીલ્લાની બ્રાન્ચના કર્મીઓ સામે પણ કાર્યવાહી થશે કે પછી તેમને બચાવી લેવાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે DYSPની અધ્યક્ષતામાં SITની રચના SMC પર થયેલા હુમલા અને ફાયરિંગના આ બહુચર્ચિત કેસમાં ઉચ્ચ કક્ષાએથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સઘન તપાસ માટે ગીર સોમનાથના DYSP ચેતન જટાણાની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ કર્યો છે. અત્યાર સુધી સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે, ત્યારે હવે SIT ની તપાસમાં ભવિષ્યમાં વધુ શું ચોંકાવનારા ખુલાસા થાય છે અને હજુ કેટલા માથાઓ ગબડે છે તેના પર સમય જીલ્લાની નજર રાખેલી છે.
ફોટાઓ હેઠળની વિગતો:
-
LCB ઈન્ચાર્જ PI એસ.વી.રાજપુત
-
LCB PSI આશાશસિંહ સિંધવ
-
LCB PSI એચ.એલ.જેબલીયા
-
રેન્જ IGP રાજેન્દ્રસિંહ ચુડાસમા
-
વેરાવળ સીટી પી.આઈ જે.એન.ગઢવી