વીજલાઈન વળતર મુદ્દે જેતપરના ખેડૂતો આમરણાંત ઉપવાસ પર
ન્યાય માટે અન્નનો ત્યાગ
ગાંધીનગર કૂચ બાદ પણ તંત્ર ન જાગતા ખેડૂતો અડગ; અન્નનો ત્યાગ કરી શરૂ કર્યો ‘આંદોલન પાર્ટ-2’
સીટી ન્યૂઝ@મોરબી
મોરબીના જેતપર ગામે ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીની વીજલાઈન અને પોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્ર અને કંપનીની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતો હવે ‘આંદોલન પાર્ટ-૨’ ના મંડાણ કર્યા છે, જેમાં ગઈકાલથી ગામના પાંચ અગ્રણી ખેડૂતો અન્નનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. આજે ઉપવાસના બીજા દિવસે પણ રામધૂન સાથે આંદોલન તેજ, વળતર ન મળે ત્યાં સુધી હટશે નહીં.
ગઈકાલથી શરૂ થયેલા આ આમરણાંત ઉપવાસ દરમિયાન રાત્રે રામધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં સુધી કાયદા મુજબ યોગ્ય વળતર નહીં મળે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને અમે એક પણ ઈંચ પાછા હટીશું નહીં.” બીજી તરફ ખેડૂતોનો આ મિજાજ જોતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમ દેખાઈ રહ્યા છે અને આસપાસના અનેક ગામના ખેડૂતોએ પણ આ લડતને વ્યાપક સમર્થન જાહેર કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપર ગામમાંથી પસાર થતી વીજ લાઈનને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કાયદા મુજબના યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આ પૂર્વે ખેડૂતો દ્વારા બે વખત ઉગ્ર ચક્કાજામના કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર કૂચમાં પણ જોડાયા હતા. જોકે, ગાંધીનગર કૂચ બાદ પણ તંત્ર કે કંપની દ્વારા કોઈ સકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતા આ કૂચ નિષ્ફળ નીવડી હતી. આખરે કંટાળેલા ખેડૂતોએ હવે જાતે જ ન્યાયની લડત લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.