SMCની મેગા રેડ : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 80.86 લાખનો મુદ્દામાલ જપ્ત
કન્ટેનરના ચોર ખાનામાંથી દારૂની 28,912 બોટલો મળી: રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો, સપ્લાયર સહિત ત્રણ સામે ગુનો દાખલ
સીટી ન્યૂઝ@વાંકાનેર
રાજ્યમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ સતત એક્શન મોડમાં છે. તે અંતર્ગત એસએમસીની ટીમે મોરબી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી વિદેશી દારૂના આખા કન્ટેનરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ ૮૦.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ વઘાસિયા ટોલનાકા નજીક ગાયત્રી ચેમ્બર સામેથી એક શંકાસ્પદ બંધ બોડીનું કન્ટેનર ટ્રક (નંબર: NL ૦૧ AC ૨૧૧૮) પસાર થઈ રહ્યો હતો. એસએમસીની ટીમે બાતમીના આધારે આ ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ટ્રકની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કુલ ૨૮,૯૧૨ બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
રાજસ્થાનના સપ્લાયરનું નામ ખૂલ્યું, મંગાવનાર અજ્ઞાત આ મામલે પોલીસે ટ્રકના ડ્રાઈવર અને માલિક અચલરામ રાજુરામ (રહે. ધીરાસણ, તા. ચોટન, જિ. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના સીકર ખાતે રહેતા મનીષ શર્મા નામના સપ્લાયરે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, મોરબી જિલ્લામાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તેની વિગતો હજુ અકબંધ છે. હાલમાં એસએમસીના અધિકારીની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ડ્રાઈવર, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધીને પોલીસે આગળની સઘન મુજબની તપાસ ચાલુ કરી છે.
મુદ્દામાલની વિગત પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
-
■ વિદેશી દારૂ: ૫૫,૭૪,૫૨૮ ની કિંમતની ૨૮,૯૧૨ બોટલો
-
■ કન્ટેનર ટ્રક: ૨૫,૦૦,૦૦૦ ની કિંમતનું વાહન
-
■ મોબાઈલ ફોન: ૧૦,૫૦૦ ની કિંમતના ૩ નંગ
-
■ રોકડ રકમ: ૧,૦૭૦ રોકડા
-
■ કુલ જપ્ત મુદ્દામાલ: ૮૦,૮૬,૦૯૮