15 જૂનની કિસાન અધિકાર યાત્રાને ખેડૂત સંગઠનનો ટેકો
- શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી યોજાશે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી
સિટી ન્યૂઝ@રાજકોટ
ખેડૂતોના પડતર પ્રશ્નો અને આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવા કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આગામી ૧૫ જૂન ૨૦૨૬ ના રોજ શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી વિશાળ 'કિસાન અધિકાર યાત્રા' (ટ્રેક્ટર રેલી) યોજવા જઈ રહી છે. સંગઠનના આગેવાનોએ મોરબીના જેતપર ગામે મંત્રી ક્રાંતિ અમૃતિયાની હાજરીમાં ખેડૂતો અને મહિલાઓ પર થયેલા લાઠીચાર્જ અને અટકાયતને સખત શબ્દોમાં વપોડી કાઢી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર પોલીસને હાથો બનાવી લોકશાહી વિરૂદ્ધનું કૃત્ય કરી રહી છે. જો સરકાર અને પોલીસ પોતાની લક્ષ્મણરેખા ઓળંગશે તો ખેડૂતો ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનો પરચો બતાવી દેશે. એકલદોકલ રજૂઆતો સાંભળવાની બદલે તંત્રને હવે ટોળાશાહીની જ ભાષા સમજાય છે તેવો કટાક્ષ પણ કરાયો છે.
ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે મોંઘા બિયારણ, ડીઝલ, રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ સામે ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, જેથી ખેતી ખોટનો સોદો બની છે. સંગઠને માંગ કરી છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોના તમામ દેવા સંપૂર્ણ નાબૂદ કરે અને નિયમિત લોન ભરનારે પણ રકમ પરત આપવામાં આવે. ટેકાના ભાવ બમણા કરી તમામ પાકની ખરીદીની વ્યવસ્થા ગોઠવાય. પશુપાલકોને દૂધના પ્રતિ લીટરે ૧૦૦ રૂપિયા આપવામાં આવે અને ઘાસચારો-ખાણ મફત અપાય. ખેતરોમાં બળજબરીથી જમીન સંપાદન કરી હાઈ-ટેન્શન વીજપોલ ઉભા કરતી કંપનીઓ સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આવો અત્યાચાર તો મુઘલો કે ગઝનીએ પણ નહોતો કર્યો. તેમની માંગ છે કે આ લાઈનો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવે. જો પોલ ઉભા કરવા જ હોય તો ખેડૂતોની સંમતિથી પ્રતિ પોલ માસિક ૩૦૦૦૦ રૂપિયા ભાડું અને વાયરોના વળતર રૂપે બજાર કિંમત કરતા ૪ ગણું વળતર આપવામાં આવે, તેમજ વીજ કંપનીના નફામાં ખેડૂતોને ભાગીદાર બનાવાય.
આ કિસાન અધિકાર યાત્રામાં જોડાવા માટે ભરતસિંહ આર ઝાલા, ભરતસિંહ વાળા, ગજેન્દ્રસિંહ ઝાલા, કાળુ રાઠોડ, પ્રકાશ પટેલ, ભુપત પટેલ (ધાડુકા), અરવિંદ, પ્રવીણ પડારીયા, મનહરસિંહ રાઠોડ, હિરિપસિંહ રાણા, રામદેવસિંહ જાડેજા અને ક્રાંતિ સંગઠનના વિનોદ ઠાકોર સહિતના ખેડૂત આગેવાનોએ જાહેર હાકલ કરી છે.