AAP દ્વારા અમદાવાદમાં વિજેતા ઉમેદવારોનું સન્માન અને પ્રશિક્ષણ
» સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ૫૦૦ થી વધુ ઉમેદવારોને અપાયું માર્ગદર્શન
» ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
» જનપ્રતિનિધિ તરીકેની જવાબદારીઓ અને આગામી યોજનાઓ અંગે પૂરું પડાયું પ્રશિક્ષણ
સિટી ન્યૂઝ@રાજકોટ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ૫૦૦ થી વધુ ઉમેદવારો માટે અમદાવાદ ખાતે એક વિશેષ સન્માન અને પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશના ટોચના નેતાઓએ વિજેતા ઉમેદવારોને જનપ્રતિનિધિ તરીકેની નવી જવાબદારીઓ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સન્માન સમારોહમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને મહિલા પ્રમુખ પાયલ સાકરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP એ ૬૦૦૦ થી વધુ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા, જેમાંથી ૫૦૦ થી વધુ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. પાર્ટીએ ૧૨ તાલુકા પંચાયત અને ૧ જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે, જ્યારે અનેક જગ્યાએ વિપક્ષમાં બેસવાનું સ્થાન મેળવ્યું છે.
૫ જૂનના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ નેતૃત્વ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને સન્માન પત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. સાથે જ, જનપ્રતિનિધિ તરીકે લોકોના કામો કેવી રીતે કરવા અને આગામી યોજનાઓ અંગે સઘન પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાક મહેનત અને જનતાના સમર્થનથી મળેલા આ ઉત્કૃષ્ટ પરિણામ બાદ, હવે વિજેતા ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પ્રજા કલ્યાણના કામો વધુ મજબૂતીથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.