Loading Please Wait !!!
અમદાવાદમાં બનશે અવરોધમુક્ત આધુનિક ફૂટપાથ

 

  • રાહદારીઓની સુરક્ષા માટે AMC નું મોટું આયોજન

  • દિવ્યાંગ અને સિનિયર સિટીઝન ફ્રેન્ડલી ફૂટપાથ બનાવશે AMC

  • ફૂટપાથ પરથી હટશે થાંભલા-દબાણ: AMC ની કવાયત

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુગમતા અને રોડ સેફ્ટીને સુદ્રઢ બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક પાયે આધુનિક અને અવરોધમુક્ત ફૂટપાથ નેટવર્ક વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, વ્યસ્ત જંક્શનો અને ભારે અવરજવર ધરાવતા વિસ્તારોમાં દબાણમુક્ત અને આરામદાયક ફૂટપાથ તૈયાર કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ ફૂટપાથનું ડિઝાઇનિંગ તમામ વર્ગના નાગરિકો માટે અનુકૂળ રહે તે રીતે કરવામાં આવશે. ખાસ કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોની સુવિધાને ધ્યાને રાખીને જંક્શનો અને પ્રવેશદ્વારોને ફૂટપાથ સાથે સાંકળવામાં આવશે. દૃષ્ટિબાધિત નાગરિકો સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે ટેક્ટાઈલ પેવિંગ (Tactile Paving) ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જ્યારે વ્હીલચેરની અવરજવર માટે નિયત ધોરણો મુજબના ઢાળવાળા રેમ્પ બનાવવામાં આવશે.

તંત્ર દ્વારા ફૂટપાથ પર ઓછામાં ઓછી 1.80 થી 2.00 મીટર જેટલી સ્પષ્ટ અને અવરોધમુક્ત જગ્યા રાહદારીઓ માટે અનામત રાખવામાં આવશે, જ્યારે વધુ ભીડવાળા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ પહોળાઈ વધારવામાં આવશે. ચાલવાની જગ્યામાં નડતરરૂપ બનતા વીજ થાંભલા, ઇલેક્ટ્રિકલ બોક્સ, મોટા સાઇનબોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર અને અન્ય કાયમી દબાણોને ખસેડીને રસ્તો ખુલ્લો કરાશે.

આ ઉપરાંત માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે શાળાઓ, બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશનો અને મુખ્ય ક્રોસિંગ્સ પાસે ઝીબ્રા ક્રોસિંગ, પેડેસ્ટ્રિયન માર્કિંગ, સ્ટોપ લાઇન અને ડિરેક્શન એરો જેવા જરૂરી સેફ્ટી માર્કિંગ્સ કરવામાં આવશે, જેથી નાગરિકો સરળતાથી અને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે.

અમદાવાદમાં બનશે અવરોધમુક્ત આધુનિક ફૂટપાથ

AMC દ્વારા અમદાવાદના મુખ્ય માર્ગો અને જંક્શનો પર રાહદારીઓની સુરક્ષા માટે આધુનિક અને અવરોધમુક્ત ફૂટપાથ બનાવાશે. જેમાં ઓછામાં ઓછી 1.80 થી 2.00 મીટર ક્લિયર સ્પેસ, દિવ્યાંગો માટે ટેક્ટાઈલ પેવિંગ, સ્લોપ વાળા રેમ્પ અને સેફ્ટી ક્રોસિંગ માર્કિંગની સુવિધા અપાશે. ચાલવાના રસ્તે નડતરરૂપ વીજ થાંભલા અને તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.