Loading Please Wait !!!
વાસદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસ: પોલીસ એન્કાઉન્ટરમાં હેવાન સુરેશ પરમાર ઠાર

  • આરોપીએ પોલીસ પર હુમલો કરતા જવાબી ફાયરિંગ, 6 રાઉન્ડમાં આરોપીનું મોત
  • LCB ની ટીમને ચકમો આપી પોલીસ પર હુમલો કર્યો, સ્વ-બચાવમાં કરાયું ફાયરિંગ
  • હુમલામાં બે પોલીસ જવાનો ઇજાગ્રસ્ત, આરોપી સુરેશ પરમાર વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના

સિટી ન્યુઝ @ વાસદ 

વાસદમાં સાડા ચાર વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં એક સનસનીખેજ વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. પોલીસની તપાસ દરમિયાન આરોપી બોચાસણથી પકડાયા બાદ તેને આણંદ લાવવામાં આવી રહ્યો હતો. રસ્તામાં આરોપીએ ઉલટીનું બહાનું કાઢી ગાડી રોકાવી, છુપાવેલું ચપ્પુ કાઢી બે પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. PSI રાણા દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં આરોપી ન અટકતા, પોલીસે સ્વ-બચાવમાં પોતાની સરકારી ગ્લોક પિસ્તોલમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ગોળીઓ વાગતા આરોપીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આરોપી સુરેશ પરમાર શ્રમજીવી પરિવારની બાળકીને સ્ટેશનના મુસાફરખાનામાંથી ઉઠાવી ગયો હતો. ત્યારબાદ આરોપીએ માસૂમ સાથે દુષ્કર્મ આચરી, પુરાવાનો નાશ કરવા માટે તેને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી, જ્યાં માસૂમ બાળકીની લાશના ત્રણ કટકા થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર પુષ્ટિ થઈ હતી. આ સમગ્ર કેસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ દુષ્કર્મ અને હત્યાના ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.

હાલ ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી 6 ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે આણંદ પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને લોકોએ બાળકીના હત્યારાને મળેલી આ સજાને ન્યાયની જીત ગણાવી છે.