કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાની પ્રથમ ગુજરાત મુલાકાત
-
મુકુલ વાસનિકના સ્થાને સુરજેવાલાને સોંપાઈ છે ગુજરાતની જવાબદારી
-
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
-
સંગઠનને મજબૂત કરવા અને નવા ફેરફારો પર ચર્ચા હાથ ધરાશે
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલા પ્રભારી બન્યા બાદ પહેલી વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. થોડા સમય પહેલા જ મુકુલ વાસનિકને પ્રભારી પદેથી હટાવીને સુરજેવાલાને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આદિવાસી નૃત્ય અને પાઘડી પહેરાવીને તેમનું અભિવાદન કરાયું હતું.
એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી એક ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા, જો કે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ થોડી પાંખી રહી હતી. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ હોદ્દેદારો, શહેર-જિલ્લા પ્રમુખો, સેલ-ડિપાર્ટમેન્ટના ચેરમેન તથા ધારાસભ્યો સાથે મેરેથોન બેઠકોનો દોર શરૂ થયો છે.
આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશ સંગઠનને મજબૂત કરવાનો અને આગામી 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવી ઊર્જા ભરવાનો છે. આ પ્રસંગે રણદીપસિંઘ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત એ બાપુ અને સરદાર પટેલની ભૂમિ છે અને કોંગ્રેસ માટે ગુજરાત માત્ર એક પ્રાંત નહીં પરંતુ એક પ્રેરણાસ્ત્રોત છે.
સંગઠનાત્મક ફેરફારો અને આગામી રણનીતિ
છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ સંગઠનમાં કોઈ મોટા ફેરફારો થયા નહોતા, પરંતુ નવા પ્રભારીના આગમન સાથે જ આગામી દિવસોમાં સંગઠનમાં વ્યાપક બદલાવ જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં પકડ મજબૂત કરવા માટે હવે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.