Loading Please Wait !!!
દેશમાં માર્ચથી બેરિયર-ફ્રી ટોલ વ્યવસ્થા શરૂ થશે

 

  • કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા ગ્લોબલ ફીનટેક ફેસ્ટમાં જાહેરાત

  • ફાસ્ટેગથી વાહનોનો રાહ જોવાનો સમય 80થી 90 ટકા ઘટ્યો

  • અગાઉ વાહનચાલકોએ 12 થી 30 મિનિટ સુધી રાહ જોવી પડતી હતી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નેશનલ હાઈવે પર વાહન ચાલકોને હવે ટોલ પ્લાઝા પર રોકાઈને પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર આગામી માર્ચથી દેશમાં બેરિયર-ફ્રી ટોલ વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ ફાસ્ટેગને ગાડીઓની નંબર પ્લેટ ઓળખનારી અદ્યતન ટેકનિક સાથે જોડવામાં આવશે, જેનાથી ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂરિયાત જ ખતમ થઈ જશે અને ટોલ સંગ્રહમાં વાર્ષિક આશરે 10 હજાર કરોડ રૂપિયાનો વધારો થવાની સંભાવના છે.

'ગ્લોબલ ફીનટેક ફેસ્ટ 2026' માં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ ફાસ્ટેગ લાગુ થવાથી ટોલ પ્લાઝા પર વાહનોનો રાહ જોવાનો સમય 80 થી 90 ટકા સુધી ઘટી ગયો છે, જ્યાં ડ્રાઇવરોને અગાઉ 12 થી 30 મિનિટ સુધી ઊભું રહેવું પડતું હતું. હવે નવી ટેકનિક દ્વારા આ સમયને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત, 'વનટેગ' સુવિધાના માધ્યમથી વાહન માલિકો જૂનો ટેગ હટાવ્યા વિના કે નવો ટેગ લગાવ્યા વગર પોતાની બેંક બદલી શકશે, જેનાથી વધારાના ટેગ લગાવવાની ઝંઝટ પણ સમાપ્ત થઈ જશે.

પરિવહન ક્ષેત્રે ટેકનિકલ ક્રાંતિ

સરકારની આ પહેલથી હાઇવે પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. ડિજિટલ ટેકનિકના મહત્તમ ઉપયોગથી માત્ર સમયની બચત જ નહીં થાય પરંતુ પારદર્શિતા અને રાજમાર્ગોની કાર્યક્ષમતામાં પણ મોટો સુધારો જોવા મળશે.