અમદાવાદમાં કાગળ પરની રાજકીય પાર્ટીનું કરોડોનું કૌભાંડ ઝડપાયું.
-
આમ જનમત પાર્ટીના ખાતામાં 843 કરોડના શંકાસ્પદ વ્યવહારો.
-
બોગસ ડોનેશનથી સરકારી તિજોરીને 250 કરોડનું મોટું નુકસાન.
-
કમિશન કાપીને આંગડિયા મારફતે રોકડ રકમ પરત અપાતી.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં ફરી એકવાર રાજકીય પાર્ટીના નામે ચાલતા મસમોટા ટેક્સ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી 'આમ જનમત પાર્ટી' નામના રાજકીય પક્ષે તેના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બોગસ ડોનેશન તથા ખોટા ખર્ચાઓ દર્શાવીને 250 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આ પાર્ટીના બેંક ખાતામાં 843,97,43,793 રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હતા. જેમાં દેશના મોટા કરદાતાઓને ઈન્કમ ટેક્સ હેઠળ 100% ટેક્સ કપાતનો લાભ અપાવીને પાર્ટીના ખાતામાં મોટું ડોનેશન લેવામાં આવતું હતું.
આ કૌભાંડમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોની સામેલ હતા. આ તમામ આરોપીઓએ કોઈ પણ પ્રકારના અસલ બિલ કે વાઉચર રાખ્યા વગર જ ખોટા ઓડિટ રિપોર્ટ્સ તૈયાર કરીને સરકારી પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા.
પાર્ટીના ખાતામાં આવેલા નાણાંને ચૂંટણી પ્રચાર કે જાહેરાતના ખોટા ખર્ચા બતાવીને પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી બોગસ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યારબાદ આંગડિયા પેઢીઓ મારફતે રોકડ ઉપાડી પોતાનું નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ મૂળ દાતાઓને રોકડમાં પરત કરી દેવામાં આવતી હતી.
આ સમગ્ર કાવતરા દ્વારા આરોપીઓએ સરકારી તિજોરીને આશરે 250 કરોડ રૂપિયાનું (ડોનેશનની 30% રકમ જેટલું) મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ ગંભીર ટેક્સ ચોરી કૌભાંડ મામલે ઈન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં રાજકીય પાર્ટીના નામે 250 કરોડનું કૌભાંડ
અમદાવાદમાં માત્ર કાગળ પર ચાલતી 'આમ જનમત પાર્ટી'ના હોદ્દેદારો અને ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે મળીને 843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો કરી સરકારી તિજોરીને 250 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. મોટા કરદાતાઓને 100% ટેક્સ કપાતનો લાભ અપાવી, બોગસ કંપનીઓ અને આંગડિયા મારફતે કમિશન કાપી રોકડ પરત આપવાના આ કૌભાંડમાં ઈન્કમ ટેક્સ વિભાગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.