Loading Please Wait !!!
ટેન્ડર પ્રક્રિયા પાંચ વાર નિષ્ફળ, અમદાવાદ અંધારામાં ડૂબ્યું!

 

  • અંદાજ બદલાયા પણ સ્ટ્રીટ લાઇટની હાલત સુધરી નહીં!

  • લાખો ફરિયાદો છતાં તંત્રની ઊંઘ ક્યારે ઉડશે?

  • કરોડોના ટેન્ડરના ખેલમાં પ્રજા અંધારામાં ભટકવા મજબૂર!

સિટી ન્યુઝ @ અમદાવાદ 

અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયા 5 વખત નિષ્ફળ ગયા બાદ હવે 6ઠ્ઠા પ્રયાસની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટેન્ડરના અંદાજિત ખર્ચમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. અગાઉ કામગીરીનો વ્યાપ વધતાં આંકડો 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો, પરંતુ હવે SITC કામગીરી અલગ કરીને નવું ટેન્ડર 398.41 કરોડ રૂપિયાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અગાઉ સિટાલૂમ કંપની પાસે આ કોન્ટ્રાક્ટ હતો, પરંતુ જાન્યુઆરી 2025માં મુદત પૂરી થયા બાદ તેણે કામગીરી ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી કાયમી કોન્ટ્રાક્ટ માટે બહાર પડેલા ટેન્ડરો વિવાદોમાં અટવાયા છે. શરૂઆતના 3 પ્રયાસોમાં 190.70 કરોડનું ટેન્ડર હતું, જેમાં કંપનીઓની ટેકનિકલ લાયકાત અને ખોટી માહિતીના આક્ષેપોને લઈને પ્રક્રિયા વારંવાર અટકી પડી હતી.

ચોથા અને પાંચમા પ્રયાસમાં ઓપરેશન, મેન્ટેનન્સ ઉપરાંત નવા પોલ અને CCMS સ્માર્ટ પેનલ જેવી કામગીરી ઉમેરાતા ખર્ચ 663 કરોડ વટી ગયો હતો. જો કે યુરોપિયન કંપનીને ફાયદો કરાવવાની શરતોના વિવાદ અને રિલાયન્સ જિયો સહિતની કંપનીઓના વાંધાને કારણે આ પ્રયાસો પણ રદ કરવા પડ્યા હતા. 6ઠ્ઠા પ્રયાસમાં SITC કામગીરી કાઢી નાખીને રકમ ઘટાડવામાં આવી છે.

ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ભારે વિલંબ અને વિવાદોને કારણે તંત્ર દ્વારા 4 અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે અને વિજિલન્સ તપાસ પણ ચાલી રહી છે. આ વહીવટી લાપરવાહી અને ટેન્ડર વિલંબની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે, કારણ કે કાયમી એજન્સીના અભાવે સબ કોન્ટ્રાક્ટરોથી કામ ચલાવાઈ રહ્યું છે.

શહેરમાં કાયમી વ્યવસ્થા ન હોવાના કારણે અંતરિયાળ રોડ જ નહીં પરંતુ મુખ્ય માર્ગો પર પણ સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે. કોર્પોરેશનના ચોપડે 15 ઓક્ટોબર સુધીમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 1,21,067 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અંધારાને કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે ત્યારે વહેલી તકે કાયમી એજન્સી આવે તે જનહિતમાં અનિવાર્ય છે.

ટેન્ડરના ભ્રમજાળમાં અટવાયેલું અમદાવાદ, પ્રજા અંધારામાં ભટકવા મજબૂર!

અમદાવાદ મહાનગરપાલિકાની અદૂરદર્શી નીતિઓ અને ટેન્ડર પ્રક્રિયાના છબરડાઓને કારણે આખું શહેર અંધકારમાં ધકેલાઈ ગયું છે. 5-5 વખત ટેન્ડર નિષ્ફળ જવું અને કરોડો રૂપિયાના અંદાજમાં મનફાવે તેમ ફેરફાર કરવા એ તંત્રની ખુલ્લી નિષ્ફળતા દર્શાવે છે. અધિકારીઓની ખુરશીની લડાઈ અને વિવાદોના ચક્કરમાં 1.21 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, છતાં સત્તાધીશોની આંખ ખુલ્લી નથી થતી. જનતાના ટેક્સના પૈસે ચાલતી આ સિસ્ટમમાં જ્યારે મુખ્ય રસ્તાઓ પણ અંધારામાં ડૂબી જાય, ત્યારે સવાલ એ થાય કે નાગરિકોની સુરક્ષાની જવાબદારી ખરેખર કોની છે?