Loading Please Wait !!!
અમદાવાદ એરપોર્ટ પર મેગા હરાજી; iPhoneથી લઈને લકઝરી વોચ સસ્તામાં મળશે

  • 8મેથી 15મે સુધી `ઓનલાઈન' જ હરાજી થશે
  • દાણચોરીમાં ઝડપાયેલો માલ હવે વેંચાશે સસ્તામાં

સિટી ન્યૂઝ@અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા કેટલાક વર્ષોમાં દાણચોરી મારફતે લાવવામાં આવેલ અને કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ કરોડો રૂપિયાના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ભવ્ય મેગા હરાજી યોજાવા જઈ રહી છે. નોંધનીય છે કે, સોના અને ડ્રગ્સ બાદ હવે સૌથી વધુ દાણચોરી મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની થાય છે. વિદેશમાં આ ગેજેટ્સ સસ્તા મળતા હોવાથી, ખાસ કરીને દુબઈ, અબુ ધાબી અને શારજાહ જેવા ગલ્ફ દેશોમાંથી આવતા મુસાફરો ભારતમાં ઊંચી ડ્યુટી બચાવવાના ઇરાદાથી પોતાના સામાનમાં સંતાડીને એક કરતા વધુ પ્રીમિયમ સ્માર્ટફોન, સ્માર્ટવૉચ અને લેપટોપ ગેરકાયદેસર રીતે લાવતા પકડાતા હોય છે. વર્ષ 2019 થી 2023 ના સમયગાળા દરમિયાન કસ્ટમ વિભાગની બાજ નજરથી બચી ન શકેલી અને જપ્ત કરાયેલી આવી જ કિંમતી વસ્તુઓનું 8 મે થી 15 મે સુધી ઓનલાઈન ઈ-ઓક્શન કરવામાં આવશે. એક દાયકામાં પ્રથમ વખત આટલા મોટા પાયે હરાજી યોજાઈ રહી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ છે, જેમાં સામાન્ય નાગરિકોને બજાર કિંમત કરતા ઘણા સસ્તા ભાવે લક્ઝુરીયસ વસ્તુઓ પોતાના નામે કરવાની સુવર્ણ તક મળશે.

આ હરાજીમાં મુખ્યત્વે આઈફોન 11 થી લઈને લેટેસ્ટ 15 સીરિઝના કુલ 87 પ્રીમિયમ મોબાઈલ ફોન, એપલ વૉચ સીરિઝ 6 સહિત 27 અન્ય જાણીતી વિદેશી બ્રાન્ડની લક્ઝરી ઘડિયાળો અને અન્ય હાઈ-એન્ડ ગેજેટ્સનો સમાવેશ થાય છે. રસ ધરાવતા ખરીદદારો ભારત સરકારના માન્ય અને સુરક્ષિત પ્લેટફોર્મ, મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ (MSTC) ના માધ્યમથી આ સંપૂર્ણ ઓનલાઈન હરાજીમાં ભાગ લઈ શકશે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને ગ્રાહકોનો સંતોષ સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ પર આ તમામ જપ્ત કરાયેલી વસ્તુઓનું વિશેષ ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી બિડર્સ હરાજીમાં બોલી લગાવતા પહેલા વસ્તુઓની પ્રત્યક્ષ ચકાસણી કરી શકશે અને તેની વર્તમાન સ્થિતિ (કન્ડિશન) નો યોગ્ય અંદાજ મેળવી શકશે. આ હરાજીમાં ભાગ લેવા માટે નિર્ધારિત પ્રક્રિયા મુજબ રજીસ્ટ્રેશન અને ડિપોઝિટ જમા કરાવવી ફરજિયાત છે. જપ્ત કરાયેલા માલને અલગ-અલગ સુવ્યવસ્થિત લોટમાં વિભાજિત કરાયો છે, જેથી ખરીદદારો પોતાની જરૂરિયાત મુજબના સ્પેસિફિક લોટ પર ઓનલાઈન બોલી લગાવી શકે.

કેવી રીતે ખરીદી કરવી
ઓનલાઈન રજીસ્ટ્રેશન: સૌથી પહેલા Metal Scrap Trade Corporation Limited (MSTC) ના સત્તાવાર ઈ-ઓક્શન પોર્ટલ પર જઈને તમારી પ્રાથમિક નોંધણી કરો.
પ્રોફાઈલ અને KYC: તમારું પૂરું નામ, એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખી લૉગિન બનાવો. ત્યારબાદ ID proof (જેમ કે આધાર કાર્ડ) તથા PAN કાર્ડ અપલોડ કરી જરૂરી KYC પ્રક્રિયા પૂર્ણ કરો.
ડિપોઝિટ (EMD) ની ચુકવણી: હરાજીમાં નકલી બોલીઓ રોકવા અને માત્ર ગંભીર ખરીદદારોને જ તક આપવા માટે, તમે પસંદ કરેલા 'લોટ' ના અંદાજિત મૂલ્યના આધારે અગાઉથી Earnest Money Deposit (EMD) ભરવી ફરજિયાત છે. (જો તમે હરાજી ન જીતો તો આ રકમ રિફંડ મળવાપાત્ર છે).

વસ્તુની પસંદગી: iPhone, Apple Watch અથવા અન્ય ગેજેટ્સને તેમની કેટેગરી અનુસાર અલગ-અલગ લોટમાં રખાયા છે, તેમાંથી તમારી પસંદગી અને બજેટ મુજબનો યોગ્ય લોટ સિલેક્ટ કરો.

લાઈવ બિડિંગ: નિર્ધારિત સમયે લાઈવ હરાજી શરૂ થશે. આ સ્પર્ધાત્મક માહોલમાં, સારા ઈન્ટરનેટ કનેક્શન સાથે, તમે તમારી પોસાય તેવી ઊંચી કિંમત (બોલી) લગાવી શકો છો.

પેમેન્ટ અને ડિલિવરી: જો તમારી બોલી સૌથી ઊંચી હશે તો સિસ્ટમ દ્વારા તમને વિજેતા જાહેર કરાશે. ત્યારબાદ નિયત સમયમર્યાદામાં બાકીની રકમ ઓનલાઈન ચૂકવીને સંબંધિત ઓથોરિટી પાસેથી તમારી જીતેલી વસ્તુ મેળવી શકાશે.