Loading Please Wait !!!
જો ભગવાન ન મળ્યા હોત તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પીતા હોત...

  • કાલુપૂર સ્વામિનારાયણના સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનું નિવેદન
  • ધર્મના ઓઠે અહંકાર? સ્ટેજ પરથી અપશબ્દો બોલતા આચાર્ય સામે સોશિયલ મીડિયામાં ફિટકાર
  • રાજકીય રક્ષણના કારણે કાર્યવાહીમાં ઢીલ? સામાન્ય નાગરિક હોત તો અત્યાર સુધી જેલના સળિયા પાછળ હોત
  • કાલુપુર ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો અત્યંત વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સિટી ન્યૂઝ@અમદાવાદ : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ સ્ટેજ પરથી અત્યંત વિવાદાસ્પદ વાણીવિલાસ કરતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'જો ભગવાન ન મળ્યા હોત તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પીતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની જાળી પાસે વીંટીઓ વહેંચતા હોત.' આ નિવેદન સામે આવતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
એક ધર્મગુરુના પદે બેસીને આવી અભદ્ર અને નિમ્ન સ્તરની ભાષાનો પ્રયોગ કરવો તે કેટલા અંશે યોગ્ય છે, તેવો પ્રશ્ન અત્યારે સમાજમાં પૂછાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે જેઓ આદર્શ હોવા જોઈએ, તેમના મુખેથી આવા શબ્દો શોભતા નથી.

આ ઘટનાએ સમાજમાં ધર્મગુરુઓની ભૂમિકા અને તેમની ગરિમા પર અનેક સવાલો ઉભા કર્યા છે. આચાર્ય પાંડેના આ નિવેદનને તેમની માનસિકતા અને સંસ્કારો સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે ધર્મગાદી પર બેસનાર વ્યક્તિએ પોતાના શબ્દોની મર્યાદા જાળવવી જોઈએ, પરંતુ અહીં તો જાણે અહંકાર બોલી રહ્યો હોય તેમ જણાય છે. આ નિવેદનથી એવું ફલિત થાય છે કે તેમને મળતી સુખ-સાહ્યબી માત્ર ભગવાને આપેલી છે, બાકી તેમની અસલિયત કંઈક અલગ જ હોત. કળિયુગમાં જ્યારે પાખંડની પૂજા થતી હોવાની વાતો વહેતી થઈ છે, ત્યારે આસારામ કે રામપાલ જેવા ઉદાહરણો વચ્ચે આચાર્યનું આવું વર્તન લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે. શું આ પ્રકારની વિચારધારા ધરાવતી વ્યક્તિ ખરેખર ધર્મગુરુ કહેવાવાને લાયક છે?

આ પહેલીવાર નથી જ્યારે કૌશલેન્દ્ર પાંડેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. અગાઉ પણ તેમણે બદનામ હુઆ તો ક્યાં હુઆ, નામ તો હુઆ જેવી વાતો કરીને પોતાની વિચારધારા પ્રદર્શિત કરી હતી. વધુમાં, તેમણે અગાઉ પોતાના અનુયાયીઓને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. છતાં, પોલીસ કે સરકાર દ્વારા તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકીય મતબેંકના કારણે ધર્મસત્તા સામે રાજસત્તા મૌન ધારણ કરી લે છે, તેવો આક્ષેપ પણ અહીં થઈ રહ્યો છે. જો કોઈ સામાન્ય નાગરિક આવું નિવેદન આપે તો તેની સામે તુરંત ગુનો દાખલ થાય છે, પરંતુ આચાર્યના કિસ્સામાં કાયદો જાણે લાચાર દેખાઈ રહ્યો છે.

ધર્મગુરુઓ જ્યારે બેફામ વાણીવિલાસ કરે છે ત્યારે તેની સૌથી ખરાબ અસર સમાજના યુવાધધન અને ભોળા અનુયાયીઓ પર પડે છે. જે ગુરુઓ પર લોકો આંધળો વિશ્વાસ મૂકે છે, તેઓ જ્યારે આવી હલકી કક્ષાની વાતો કરે ત્યારે સમાજમાં કયો દાખલો બેસશે? જો આચાર્ય પોતે જ સ્વીકારતા હોય કે ભગવાન ન હોત તો તેઓ બીડીઓ પીતા હોત, તો તેમના અનુયાયીઓ તેમની પાસેથી કયા સદ્દગુણો શીખશે? કાયદાએ તમામ માટે સમાન હોવું જોઈએ અને ધર્મની આડમાં ઉશ્કેરણી કરનારાઓ સામે પગલાં લેવા જોઈએ. અત્યારે તો એવું લાગે છે કે આચાર્ય અને તેમના પરિવારને કોઈની શરમ કે લાજ રહી નથી, અને તેઓ બિન્દાસ્તપણે પોતાની અસલિયત સ્વીકારી રહ્યા છે, જે ખરેખર દુખદ છે.