સિહોરના રિક્ષા ચાલકના બે બેંક એકાઉન્ટમાંથી ૯૦ હજાર રૂપિયા ઉપડી જવાનો મામલો સામે આવ્યો!
-
ભાવનગરના સિહોરમાં મેરુ પાર્ક વિસ્તારમાં રહેતા મહમદભાઈ કથીરી સાથે આ ઘટના બની છે.
-
ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા સ્ટેન્ડ પર બેઠા હતા ત્યારે આ APK ફાઈલ ડાઉનલોડ થઈ હતી.
-
ફોન ફરી ચાલુ કરીને ગૂગલ પે ચેક કરતા ૯૦ હજાર રૂપિયા કપાયા હોવાની જાણ થઈ.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગરના સિહોરમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મહમદભાઈ રફિકભાઈ કથીરી સાથે સાયબર ઠગાઈની એક ગંભીર ઘટના સામે આવી છે. સિહોરના મેરુ પાર્ક વિસ્તારમાં રહેતા મહમદભાઈ ગંગાજળિયા તળાવ પાસેના રિક્ષા સ્ટેન્ડ પર હતા ત્યારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અજાણી APK ફાઈલ આવી હતી. તેમણે અજાણતામાં આ ફાઈલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતાં જ તેમના મોબાઈલની સિસ્ટમ ઓટોમેટિક અપડેટ થવા લાગી હતી અને આશરે ૨૦ મિનિટ સુધી ફોન હેંગ રહ્યો હતો. બાદમાં ફોન ચાલુ થતાં મોબાઈલમાંથી તમામ એપ્લિકેશન્સ ગાયબ થઈ ગઈ હતી.
જ્યારે મહમદભાઈએ તમામ એપ્લિકેશન્સ ફરીથી ડાઉનલોડ કરીને ગૂગલ પે ચેક કર્યું, ત્યારે તેમને બે અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ ૯૦,૦00 રૂપિયા ડેબિટ થઈ ગયા હોવાના મેસેજ મળ્યા હતા. અજાણ્યા ઠગ શખસ દ્વારા તેમનો ફોન હેક કરીને આ નાણાં સેરવી લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર રિક્ષા ચાલકે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૪૩એ, ૪૩(એફ) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ અને આગળની કાનૂની તપાસ શરૂ કરી દીધી છે.
સાયબર જાગૃતિ અને સુરક્ષા
મોબાઈલ ફોન પર આવતી શંકાસ્પદ કે અજાણી APK ફાઈલો અથવા લિંક્સ પર ક્લિક કરવાથી બચવું જોઈએ, કારણ કે તે ડેટા ચોરી અને આર્થિક ફ્રોડનું કારણ બની શકે છે.