Loading Please Wait !!!
માંજલપુર પેટા ચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ

  • ભવ્ય વિજય મેળવી સ્વ. યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું
  • મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વિજય વિશ્વાસ રેલી સાથે ફોર્મ ભર્યું
  • સતીશ પટેલના વિજય સાથે પરંપરા જાળવી રાખવા ભાજપનો વિશ્વાસ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રીતે પ્રચારનો આરંભ કર્યો છે. આજે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પક્ષના અન્ય અગ્રણી નેતાઓની હાજરીમાં વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે પાર્ટી દ્વારા "વિજય વિશ્વાસ રેલી" યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ અગાઉ જગદીશ વિશ્વકર્માના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉમેદવાર સતીશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, માંજલપુર બેઠક પર ભાજપની જંગી બહુમતીથી વિજય નિશ્ચિત છે અને આ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમણે કાર્યકરોને મહત્તમ મતદાન કરાવવા અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવવા માટે અત્યારથી જ કામે લાગી જવા અપીલ કરી હતી.

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યોગેશ પટેલના કાર્યકાળ અને તેમના લોકસેવાના કાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, સતીશ પટેલ પાયાના કાર્યકર્તા છે અને તેઓ યોગેશ પટેલની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. તેમણે ઉમેર્યું હતું કે 1990થી સતત 8 વખત આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે, જે આ વખતે પણ અકબંધ રહેશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે 25,000 નોટબુકનું વિતરણ કરીને સેવાકીય ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

માંજલપુર પેટા ચૂંટણીનો ઘટનાક્રમ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ દ્વારા માંજલપુર વિધાનસભા બેઠક માટે સત્તાવાર ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ બેઠક સ્વ. યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી, જેમના 8 વખત વિજયનો ઈતિહાસ રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને આ પેટા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી વધુ લીડ મેળવવા માટે તન-મનથી મહેનત કરવા આદેશ આપ્યો છે. વિજય વિશ્વાસ રેલી અને કાર્યાલય ઉદ્ઘાટન દ્વારા ભાજપે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. હવે સમગ્ર ધ્યાન મહત્તમ મતદાન કરાવવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.