ભાવનગરના સર્વાંગી વિકાસ માટે 738.09 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
-
તા. 25-09-2026 ને શુક્રવારના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે કાર્યક્રમ
-
ભાવનગર મહાનગરપાલિકાના 621.63 કરોડના 30 કામોનો થશે સમાવેશ
-
પંચાયત અને રાજ્ય હસ્તકના માર્ગો સુદ્રઢ બનાવવાના કાર્યોનું ખાતમુહૂર્ત
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કુલ 738.09 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને નવા મંજૂર થયેલા 79 જેટલા વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ તમામ મહત્વપૂર્ણ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવશે, જેનાથી જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.
આ ભવ્ય કાર્યક્રમ તારીખ 25-09-2026 ને શુક્રવારના રોજ સવારે 11:00 વાગ્યે સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, ભાવનગર ખાતે યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર અને મહાનગરપાલિકા, ભાવનગર દ્વારા સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં નાગરિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તેમાં ભાવનગર ખાતે 33.00 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક કલેક્ટર કચેરીનો પણ સમાવેશ થાય છે, જેના શરૂ થવાથી નાગરિકોને મહેસૂલી સેવાઓ એક જ સ્થળે ખૂબ જ ઝડપથી મળી રહેશે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના 621.63 કરોડ રૂપિયાના 30 જેટલા શહેરી માળખાકીય સુવિધાઓના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના 13.19 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત કામનું લોકાર્પણ થશે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 57.03 કરોડ રૂપિયાના 46 કામોથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો વધુ સુદ્રઢ બનશે. સાથે જ પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરી હસ્તકના 13.24 કરોડ રૂપિયાના વિકાસ કામનું ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે સંપન્ન થશે.
આ ગરિમામય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના મંત્રી નીમુબેન બાંભણીયા, ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, પરષોત્તમભાઈ સોલંકી અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો સેજલબેન પંડ્યા, મહંત શંભુનાથજી ટુંડીયા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ અને સુધીરભાઈ વાઘાણી પ્રેરક ઉપસ્થિતિ પૂરી પાડશે.
વિકાસ અને લોકકલ્યાણ
રાજ્યમાં જનપયોગી પ્રોજેક્ટ્સ અને માળખાકીય સુવિધાઓના વિસ્તરણથી નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવે છે અને પ્રાદેશિક વિકાસને વેગ મળે છે.