Loading Please Wait !!!
જામનગરમાં રિક્ષા અથડાવવા મામલે યુવાન પર જીવલેણ હુમલો

  • છરી અને પાઇપ વડે હુમલો થતા યુવાન ગંભીર, ૪ સામે હત્યાના પ્રયાસનો ગુનો
  • વાંસામાં છરી ખૂંપી જતાં યુવાન રાજકોટ રિફર, આરોપીઓ ફરાર
  • ઘટનાસ્થળેથી ૪ હુમલાખોરો નાસી છૂટ્યા, ગંભીર ઈજાગ્રસ્ત યુવાનની સ્થિતિ નાજુક

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરના ટીટોડીવાડી સિલ્વર સોસાયટી વિસ્તારમાં રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે સામાન્ય અથડામણ થતા મામલો ગરમાયો હતો, જેણે થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા એક યુવાન પર જીવલેણ હુમલો થયો છે. પોલીસ ફરિયાદ મુજબ, રિક્ષા ચાલક જુનેદ જાનમામદ બ્લોચે પોતાની રિક્ષા ફરિયાદીની બાઇક સાથે અથડાવી હતી, જેના પર ઠપકો આપતા જુનેદ ઉશ્કેરાઈ ગયો હતો. થોડી જ વારમાં જુનેદ અને કામીલ નામનો શખ્સ લોખંડના પાઈપ અને છરી લઈને પરત ફર્યા હતા, જેમાં મહિલાઓ પણ તેમની સાથે ગાળાગાળી કરવા જોડાઈ હતી.

બચાવમાં પડેલા મોઈન નામના યુવાન પર આરોપીઓએ પાછળથી હુમલો કર્યો હતો. કામીલે મોઈનના વાંસાના ભાગે છરીના ઘા માર્યા હતા, જેનો આગળનો ભાગ શરીરમાં જ ખૂંપી ગયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આ સાથે જ જુનેદે પાઇપ વડે મોઈનના બંને પગ પર ફટકા માર્યા હતા, જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો હુમલો કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઈજાગ્રસ્ત મોઈનને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ઈજાઓ ગંભીર અને જીવલેણ હોવાથી વધુ સારવાર અર્થે તેને રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે જુનેદ જાનમામદ બ્લોચ, કામીલ, ફાતમાબેન અને કામીલની માતા એમ કુલ ૪ વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.