CBSE પરિણામ કૌભાંડમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ
=> લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકનાર COEMPT કંપની સામે ન્યાયિક તપાસની માંગ : ડૉ. મનીષ દોશી
સિટી ન્યૂઝ@રાજકોટ
સી.બી.એસ.ઇ. (CBSE) પરીક્ષા પરિણામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ અને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરતા જણાવ્યું છે કે, વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર બેદરકારીપૂર્વક રમત રમી રહી છે, છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને બેઠા છે.
ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે CBSE જેવી રાષ્ટ્રીય સંસ્થાની પરીક્ષા અને પરિણામ વ્યવસ્થાપનની જવાબદારી COEMPT નામની કંપનીને સોંપવામાં આવી હતી. આ જ કંપની અગાઉ Globarena નામથી વર્ષ ૨૦૧૯ માં તેલંગાણામાં ગંભીર વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. કંપનીનો આવો ખરાબ રેકોર્ડ હોવા છતાં તેને આશરે ૧૮.૫ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સોંપવા પાછળ કોનું દબાણ કે ભલામણ કામ કરી રહી છે, તે દેશ જાણવા માંગે છે.
સમગ્ર ભારતમાં ૩૩૧૦૦ થી વધુ અને ગુજરાતમાં ૩૨૯ થી વધુ CBSE શાળાઓ કાર્યરત છે. ધોરણ ૧૦ અને ૧૨ ના મળીને આશરે ૪૪.૭૦ લાખ વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત નિર્ણાયક હોય છે. વિદ્યાર્થીઓ સતત ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઉત્તરવહીઓ ચકાસનાર શિક્ષકોને માત્ર ૭ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘણી સ્કેન કરેલી કોપીઓ ધૂંધળી હતી, કેટલાક પાના ગાયબ હતા અને સિસ્ટમમાં લખેલા જવાબોવાળા પાના પણ ખાલી બતાવતા હતા, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ બગડ્યા છે.
કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તાત્કાલિક સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવે. લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર જવાબદાર અધિકારીઓ અને COEMPT કંપનીના સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.