રાજકોટીન્સના ચાર ઇંચ વરસાદથી હૈયા છલકાયા: કાલે વરસાદની આગાહી
સિઝનનો 14 ઇંચ : લાલપરી ડેમ 95% ભરાયો આજી-૨ ડેમના દરવાજા ખોલતા 10 ગામો એલર્ટ
» આખો દિવસ ધીમી ધારે વરસાદ વરસતા લોકોએ મન ભરી આનંદ માણ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રંગીલા રાજકોટ ઉપર અંતે મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને ચાલુ મોસમમાં પ્રથમવાર ગત રાત્રીથી આજે બપોર સુધીમાં શહેરમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસી જતા નજારજનો રોમાંચિત થઈ ગયા છે અને શહેરમાં આહલાદુક વાતાવરણ સાથે ઠંડક છવાઈ ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ગત રાત્રીનાં ૮ કલાકથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને આજે સવારથી બપોર સુધીમાં પણ શહેરમાં સતત હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.
ફાયર બ્રિગેડનાં જણાવ્યા મુજબ ગત રાત્રીના ૮થી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં, સેન્ટ્રલ અને વેસ્ટ જોનમાં ૩૮ મીમી તથા ઈસ્ટ જોનમાં ૩૬ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે ૮ થી બપોરે ૧-૩૦ કલાક સુધીમાં સેન્ટ્રલ અને વેસ્ટ જોનમાં ૩૬ મીમી તથા ઈસ્ટ જોનમાં ૨૯ મીમી વરસાદ નોંધાયો હતો.
આમ રાજકોટ શહેરમાં ગત રાત્રીથી આજે બપોરે ૧-૩૦ કલાક સુધીમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો અને સતત ધીમી ધારે પડતો વરસાદ બપોરે ૧-૩૦ કલાક બાદ પણ યથાવત રહેવા પામ્યો હતો.
આથી આજે સાંજ સુધીમાં શહેરમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસી જાય તેવી શક્યતા છે. સેન્ટ્રલ જોનમાં કુલ ૭૨, વેસ્ટમાં ૭૦ અને ઇસ્ટમાં ૫૬ મીમી પાણી પડ્યું છે અને શહેરમાં મોસમનો કુલ વરસાદ ૧૪ ઇંચ ઉપર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગઈકાલથી સમય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં પણ ગઈકાલ સાંજથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.
ગઈકાલે સાંજે ધીમીધારે શરૂ થયેલા વરસાદ રાત્રિના સમયે નોંધપાત્ર રીતે ધોધમાર સ્વરૂપમાં વરસ્યો હતો, જેને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાની અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી.
ગઈકાલ સાંજથી સવાર સુધીમાં રાજકોટમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને વેસ્ટ જોનમાં ૩૮ મી.મી. જ્યારે ઈસ્ટ જોનમાં ૩૬ મી.મી. વરસાદ નોંધાયો છે. શહેરમાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે અને આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને કોઈ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
જલાશયોમાં નવા નીરની આવક: નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના ડેમોમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા નીચે મુજબના જલાશયો માટે એલર્ટ જારી કરાયા છે:
-
આજી-૨ ડેમ: જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે ૧૨.૩૦ વાગ્યે ડેમના ૨ દરવાજા ૦.૧૦૨ મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાં નીરની આવક અને જાવક ૩૮૦ ક્યુસેક છે. આથી પધ્ધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીંસરડા, કુંગરકા, ગઢાડા, હરીપર, ખેડેરી, નારાણા, સજપર અને ઉકડા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
-
લાલપરી ડેમ: રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૯૫ ટકા ભરાઈ ગયો છે (હાલનું જળસ્તર ૧૭૭.૧૧ મીટર). ડેમમાં ૪૭૪ ક્યુસેક પાણીની આવક છે. નદીના પટમાં કે કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ નવગામા અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે.
-
ભાદર-ર ડેમ: ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર ૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. ડેમમાં ૭૦૩ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. નદીના પટમાં અવરજવર ન કરવો પડે તેમ જ ધોરાજી તાલુકાના (ભોળા, ભલ ગામડા, છાડાવદર, સુપેડી), ઉપલેટા તાલુકાના (કુર્મીયાણી, ચિખલિયા સહિતના અન્ય ગામો) અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અસરગ્રસ્ત ગામોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.