Loading Please Wait !!!
લાલબાગ બ્રિજ પાસે કાર અને VMC ટ્રેક્ટર વચ્ચે અકસ્માત જોરદાર ટક્કર: કાર ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ફસાઈ

 

  • ટર્ન લઈ રહેલા ટ્રેક્ટર સાથે કાર ધડાકાભેર તૂટી પડી

  • સદભાગ્યે કારચાલકનો બચાવ: મોટો અકસ્માત ટળ્યો

  • અકસ્માતના જોરદાર અવાજથી સ્થાનિકો ઘટનાસ્થળે દોડ્યા

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજ પરથી ઉતરી રહેલી એક કાર અને વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટર્ન લઈ રહેલા ટ્રેક્ટર સાથે કાર એટલી જોરથી અથડાઈ હતી કે તે ટ્રેક્ટર અને ટ્રોલીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લાલબાગ બ્રિજ પરથી કાર અવધૂત ફાટક તરફ જઈ રહી હતી તે સમયે અચાનક VMC નું ટ્રેક્ટર ટર્ન મારી રહ્યું હતું. આ દરમિયાન કારચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવતાં કાર ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈને ટ્રેક્ટર અને ટ્રોલીની વચ્ચેના ભાગમાં ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે કારના આગળના ભાગને નુકસાન થયું હતું.

અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તુરંત કારમાં સવાર ચાલકની મદદ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. બનાવના પગલે લાલબાગ બ્રિજ પરથી ઉતરતા રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતમાં કોની બેદરકારી હતી તે દિશામાં પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

શહેરમાં અવારનવાર બનતી આવી ટ્રાફિક ઘટનાઓને ધ્યાને રાખીને સ્થાનિકોએ બ્રિજ પરથી ઉતરતી વખતે વાહનોની ગતિ પર મર્યાદા રાખવા તેમજ VMC ના વાહનો દ્વારા યોગ્ય સાવચેતી સાથે ટર્ન લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

વડોદરાના લાલબાગ બ્રિજ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

વડોદરાના લાલબાગ બ્રિજ પરથી ઉતરી રહેલી કાર VMC ના ટર્ન લેતા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈને ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.