Loading Please Wait !!!
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા 4200 જોડી સ્લીપરનું વિતરણ

» સતત ૨૫ વર્ષથી ચાલતા સેવાયજ્ઞમાં દાતાઓનો સહયોગથી ગરીબોને આકરા તાપમાં મોટી રાહત

» વરસાદ પડે ત્યાં સુધી આ સેવા પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખવાનો સંસ્થાઓનો દ્રઢ નિર્ધાર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ નગરમાં જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી પ્રતિવર્ષ ઉનાળાના દિવસો દરમિયાન ધૂળિયા કે ડામરના રસ્તા પર ઉઘાડા પગે ફરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નવા સ્લીપરનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ૪૩ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં દાતાઓના સહયોગથી ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ કરી સંસ્થા દ્વારા માનવતા મહેકાવવામાં આવી છે.

સંસ્થાના કાર્યકર્તાઓ સાયકલ અને સ્કૂટર પર શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, મવડી વિસ્તાર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રેસકોર્સ અને ભૂપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં રૂબરૂ ગયા હતા. ફૂટપાથ પર, ખુલ્લા મેદાનમાં અને બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરો અને તેમના બાળકોને સાઇઝ મુજબ ૪૨૦૦ જોડી સ્લીપર પહેરાવવામાં આવ્યા હતા. ઉઘાડા પગે ફરતા લોકોના ચહેરા પર સ્લીપર મળ્યાની ખુશી જોઈને કાર્યકરોએ પણ સમાજ માટે કંઈક કરી છૂટ્યાની ધન્યતા અનુભવી હતી. આ ઉમદા પ્રવૃત્તિમાં જયંતીલાલ એમ. પટેલ, રેસકોર્સ લાફિંગ ક્લબ, ઘનશ્યામ ઠક્કર, પ્રવીણ નથવાણી, મધુ રૂઘાણી, નીરૂ અરૂણ રૂઘાણી, ડો. સ્નેહલ બેટ, રામ જામંગ, ચંદુ રાયચુરા, ભાવેશ હરસોડા, સુનિલ એસ. શાહ, બાબુ પટેલ, હસુ રાયચુરા, પંકજ ઓઝા અને નીતિન કક્કડ સહિતના દાતાઓનો આર્થિક સહયોગ મળેલ છે. ૪૩ ડિગ્રી ગરમી કે આગ ઝરતી લૂની પરવા કર્યા વગર સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલિયા, દિનેશ ગોવાણી, હસુ શાહ, જીતુ ગાંધી, જનાર્દન આચાર્ય, જયેન્દ્ર મહેતા, વિપુલ ભટ્ટ, રમેશ શિશાંગિયા, હાર્દિક દોશી, જીતુ ચૌહાણ અને મહારાજ વગેરે આ કાર્યમાં ખડેપગે રહ્યા હતા. આ સ્લીપર વિતરણ પ્રવૃત્તિ વરસાદ પડશે ત્યાં સુધી ચાલુ રહેશે. આ સેવાયજ્ઞમાં સહયોગ આપવા માંગતા દાતાઓ વધુ માહિતી માટે અનુપમ દોશી (મો. 9428233796) નો સંપર્ક કરી શકે છે.