Loading Please Wait !!!
સિવિલ હોસ્પિટલમાં રક્તની ભારે અછત


=> થેલેસેમિયા પીડિત બાળકો અને ઈમર્જન્સી દર્દીઓ માટે રક્તદાન કરવા તાતી અપીલ

સિટી ન્યૂઝ@રાજકોટ

હાલ રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે. ઉનાળાની સખત ગરમી અને વેકેશનના માહોલ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તમામ ગ્રુપના બ્લડની સખત અછત વર્તાઈ રહી છે, જેના કારણે અનેક દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં અંદાજે ૫૪૦ જેટલા થેલેસેમિયા પીડિત બાળકો નોંધાયેલા છે, જેમને પોતાનું જીવન ટકાવી રાખવા માટે દર ૧૦ થી ૧૫ દિવસે નિયમિત રક્ત ચડાવવું પડે છે. આ માસૂમ બાળકો ઉપરાંત હોસ્પિટલમાં આવતા કિડની, પ્રસુતિ, અકસ્માત (એક્સીડન્ટ), કેન્સર અને અન્ય ઈમર્જન્સીના દર્દીઓનો જીવ બચાવવા માટે પણ રક્તની અત્યંત આવશ્યકતા રહે છે.

આવા કપરા સમયે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણી, કે જેઓ છેલ્લા ૩૮ વર્ષથી નિયમિત રક્તદાતા છે અને તાજેતરમાં જ જેમણે ૧૬૨મી વખત રક્તદાન કર્યું છે, તેમણે તમામ સામાજિક સંસ્થાઓ, ઓર્ગેનાઈઝર અને યુવાનોને રક્તદાન કેમ્પ યોજવા તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરવા નમ્ર અપીલ કરી છે.

કોઈપણ વ્યક્તિ પોતાના સ્નેહીજનોના જન્મદિવસ કે પુણ્યસ્મૃતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરી શકે છે. આ ઉપરાંત ચક્ષુદાન, અંગદાન, દેહદાન, સ્કીનદાન, થેલેસેમિયા જાગૃતિ સેમિનાર કે જીવદયાના કોઈપણ સેવાકાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણીનો (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦) સંપર્ક કરવા જણાવાયું છે.