Loading Please Wait !!!
ગોત્રી હોસ્પિટલના ગેટ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાઈ

  • મેન ગેટ પર પાઇપોનો ઢગલો કરી દેતા દર્દીઓના જીવ જોખમમાં, તંત્રની કામગીરી સામે રોષ
  • ઇમરજન્સી ગેટ બ્લોક થતા દર્દીઓ હેરાન, કડક કાર્યવાહીની માંગ ઉઠી
  • સવારના પીક અવર્સમાં મુખ્ય ગેટ પર પાઇપો ખડકાતા હજારો લોકો પરેશાન

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરાની જાણીતી ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આજે સવારે દર્દીઓ અને તબીબી સ્ટાફે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડની પાઇપો ખડકી દેવામાં આવતા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સવારના પીક અવર્સ દરમિયાન ૪ થી ૫ એમ્બ્યુલન્સો આ ટ્રાફિકમાં ફસાઈ જતાં દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

આ ઘટના અંગેની વિગતો મુજબ, થોડા દિવસ અગાઉ પણ કોન્ટ્રાક્ટરે ઇમરજન્સી ગેટ બ્લોક કર્યો હતો, ત્યારે ડૉક્ટરોની ચેતવણી બાદ પાઇપો હટાવી લેવામાં આવી હતી. જોકે, તેમાંથી બોધપાઠ લેવાને બદલે ગઈકાલે રાત્રે ફરીથી મેન ગેટ પર પાઇપોનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે હોસ્પિટલ આવતા પેશન્ટો, ઑફિસે જતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. આ હોસ્પિટલમાં દરરોજ અંદાજે ૧૪૦૦ દર્દીઓ, ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦થી વધુ પેરામેડિકલ સ્ટાફની અવરજવર હોય છે, ત્યારે મુખ્ય ગેટ બ્લોક થવો તે ગંભીર બાબત છે.

સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે અહીં કાયમી ટ્રાફિકની સમસ્યા છે. યોગ્ય ટ્રાફિક પોઇન્ટ કે ડિવાઇડરના અભાવે એમ્બ્યુલન્સને પણ ઘણીવાર 'રોંગ સાઇડ'માં જવું પડે છે, જે અકસ્માતને નોતરે છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. લોકોએ આ ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં લેવા અને ટ્રાફિકની સમસ્યાનું વહેલી તકે કાયમી નિવારણ લાવવા માંગ કરી છે.

બોક્સ મેટર: હોસ્પિટલ કેમ્પસ પર દબાણ

ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. દરરોજ અંદાજે ૧૪૦૦ પેશન્ટો, ૧૩૦૦ સ્ટુડન્ટો, ૩૦૦ પેરામેડિકલ સ્ટાફ અને ૩૦૦ બહારના ડૉક્ટરોની હાજરી ધરાવતા આ કેમ્પસમાં ટ્રાફિકનું નિયમન અત્યંત જરૂરી છે. જો મુખ્ય ગેટ જ બંધ થઈ જાય તો મોટી આપત્તિ સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા આવા વ્યસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ટ્રાફિક પ્લાનિંગ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.