કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે બુઢણા ગામે ’મંજુલા સરોવર’નું લોકાર્પણ થશે
સુરતના ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણીના સહયોગથી સાકાર થયો પ્રોજેક્ટ
સિટી ન્યૂઝ | ભાવનગર
જળસંચય માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચરોના નિર્માણનો સંકલ્પ ધરાવતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે તા. ૧૭ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ નવનિર્મિત ’મંજુલા સરોવર’ના લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાશે. ડી.બી. તેજાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સરોવરનું લોકાર્પણ અને જળ વધામણાં મહોત્સવ યોજાશે. આ જળસંચય પ્રકલ્પ સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને વતનપ્રેમી અનુભાઈ તેજાણીના સહયોગથી સાકાર થયો છે. તેમણે વતનની માટીનું ઋણ અદા કરવામાં હેતુથી બુઢણા તથા આસપાસના વિસ્તારમાં જળસંચય સાથે હરિયાળી વધારવા માટે હજારો વૃક્ષોનું વાવેતર પણ હાથ ધર્યું છે. આ પ્રસંગે સિહોર વન વિભાગની ’વનકવચ’ અને વૃક્ષારોપણ યોજનાનું ભૂમિપૂજન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તથા રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવશે. ઉપરાંત જળસંચય માટે દિવસ-રાત મહેનત કરનારા સ્થાનિક કર્મયોગીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપના અગ્રણીઓ ભરતભાઈ બોઘરા અને મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિવ્યરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, તાલુકા પંચાયત પ્રમુખ વિમળાબેન ચૌહાણ, ઉદ્યોગપતિ જસમતભાઈ વીડીયા સહિતના મહાનુભાવો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને બુઢણા ગામ પરિવાર દ્વારા જળસંચય અને પર્યાવરણ સંરક્ષણને સમર્પિત આ જલ મહોત્સવમાં સહભાગી થવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 93277 65672 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.