અમદાવાદમાં બેન્ક એપ્રેન્ટિસ યુવતી સાથે 12.27 લાખની છેતરપિંડી
-
સીટીએમ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી બની ઠગાઈનો ભોગ
-
કોઈપણ રોકાણ વગર કમિશન આપવાનું કહીને ફસાવ્યા
-
મોબાઈલ અને એસી જેવી વસ્તુઓ લોન પર ખરીદાવી
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતી અને બેન્કમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતી 23 વર્ષીય યુવતી સાથે વર્ક ફ્રોમ હોમની લોભામણી ઓફર આપીને 12,27,351 રૂપિયાની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અશોક ઉર્ફે જય વિરમગામા અને રાજન મહેતા નામના બે ઠગોએ યુવતી તથા તેના પરિવારના નામે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ સાધનો તેમજ રોકડ રકમ પોતાની પાસે પડાવી લીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, નવેમ્બર 2024માં અશોક ઉર્ફે જય વિરમગામાએ નોકરી ડોટકોમ મારફતે યુવતીનો સંપર્ક કરી પોતાને સર્વોદય સહકારી મંડળીનો કર્મચારી ગણાવ્યો હતો. તેણે યુવતીને ઘરબેઠા કોઈપણ રોકાણ વગર કામ કરવાની ઓફર આપીને લાલચ આપી હતી કે સંસ્થા માટે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ પર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાથી તેને મોટું કમિશન મળશે અને તમામ હપ્તા તેમની સંસ્થા જ ભરપાઈ કરશે.
શરૂઆતમાં પરિવારનો વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ સમયસર હપ્તા ભરીને વિશ્વાસ જીતી લીધો હતો અને દોઢ વર્ષ સુધી પરિવારના સભ્યોના નામે જુદી જુદી જગ્યાએથી મોબાઈલ તથા એસી જેવી વસ્તુઓ લોન પર ખરીદાવી હતી. પરંતુ વિશ્વાસ કેળવાઈ ગયા બાદ અશોકે યુવતીની ફિક્સ ડિપોઝિટ તોડાવી ક્રેડિટ કાર્ડ કઢાવ્યા હતા અને પિન નંબર પોતાની પાસે રાખીને તેનો ભારે દુરુપયોગ કર્યો હતો.
આ સિવાય યુવતીના માતા-પિતાના નામે પણ મોટી રકમની પર્સનલ લોન કરાવી દેવામાં આવી હતી. મે 2026થી આરોપીઓએ લોનના હપ્તા ભરવાના બંધ કરી દેતાં બેન્ક અને ફાઈનાન્સ કંપનીઓની રિકવરી ટીમો યુવતીના ઘરે પહોંચી હતી, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પરિવારે નાણાં માંગતાં આરોપીઓએ સિક્યુરિટી પેટે ચેક આપ્યો હતો, પરંતુ જૂન 2026માં બંને પોતાના મોબાઈલ નંબર બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આ બંને શખસો અગાઉ પણ ગુજરાતમાં અન્ય લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂકાયા છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
સાયબર ફ્રોડ અને ડિજિટલ જાગૃતિ
ઓનલાઇન નોકરી અને વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને નાગરિકોને આર્થિક ફાંદમાં ફસાવતી આવી છેતરપિંડીઓ સામે સતર્ક રહેવું અને અજાણ્યા વ્યક્તિઓ પર ભરોસો ન કરવો અત્યંત આવશ્યક છે.