દિલ્હી પોલીસનો મોટો પર્દાફાશ: પાકિસ્તાની હેન્ડલરની ગેંગના 7 સભ્યો ઝડપાયા
- ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવાનું મોટું કાવતરું નિષ્ફળ, દિલ્હી-ગાઝિયાબાદમાં રેકી કરતા પકડાયા
- પંજાબ બોર્ડરથી ડ્રગ્સ અને હથિયારો પહોંચાડતા 7 યુવાન આરોપીઓની ધરપકડ, આકરી પૂછપરછ શરૂ
- સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ફસાવી ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી કરાવતા હતા આરોપીઓ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સમર્થિત એક મોટા આતંકી અને ગુનાઈત નેટવર્કનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાકિસ્તાનમાં બેસીને આતંકી ગતિવિધિઓ અને ડ્રગ્સનો કારોબાર ચલાવતા શાહઝાદ ભટ્ટી અને તેના સાથી અજમલ ગુજ્જરના ઇશારે કામ કરી રહ્યા હતા. આ ગેંગ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ભારતીય સરહદ (પંજાબ) માં ઘૂસાડેલા ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થોને દિલ્હી-એનસીઆર સુધી પહોંચાડવાનું કામ કરતી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આ સંગઠન સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને નાણાંની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતું હતું. જે બાદ તેમને નશાની તસ્કરી જેવા ગુનાહિત કાર્યોમાં લગાવી દેવામાં આવતા હતા. દિલ્હી સ્પેશિયલ સેલને મે મહિનામાં જ બાતમી મળી હતી કે શાહઝાદ ભટ્ટી અને અજમલ ગુજ્જર દિલ્હી તથા ગાઝિયાબાદના સંવેદનશીલ સ્થળોએ મોટી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા છે. ત્યારબાદ પોલીસ દ્વારા ઓપરેશન પાર પાડીને આ નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે.
પોલીસે જે સાત આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં અનસ ત્યાગી, મોહિત (ઉર્ફે યોગી), દીપક, આરિફ, કરણવીર, જતન અને સાબિરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ 26 થી 30 વર્ષની વયના યુવાનો છે. આરોપીઓ દિલ્હી અને ગાઝિયાબાદના અનેક મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરી રહ્યા હતા અને મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં હતા. હાલમાં આ તમામની સ્પેશિયલ સેલ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આતંકી નેટવર્કના અન્ય સ્ત્રોતો અને સ્લીપર સેલ વિશે વધુ માહિતી મેળવી શકાય.
પૂર્વોત્તર રાજ્યોમાં ડ્રોન દ્વારા હથિયારો ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી આ ગેંગની કામગીરીની પદ્ધતિ અત્યંત જોખમી હતી. પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા રાત્રિના સમયે હથિયારો અને ડ્રગ્સ ભારતીય સરહદમાં ફેંકવામાં આવતા હતા, જે પંજાબથી લઈને દિલ્હી સુધીના નેટવર્ક દ્વારા વિતરિત કરવામાં આવતા હતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુવાનોને આકર્ષવા અને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડવાની તેમની વ્યૂહરચના નિષ્ફળ બનાવીને દિલ્હી પોલીસે એક મોટું સંકટ ટાળ્યું છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.