Loading Please Wait !!!
રાજકોટમાં પાણી ખૂટવાનો ખતરો 20 દિવસમાં ડેમ ખાલી?

જથ્થો ઘટતા તાત્કાલિક નર્મદા નીર છોડવા RMCની માંગ

  • આજી-1 ડેમમાં 41% અને ન્યારી-1 ડેમમાં 29% જ જળ સંગ્રહ બચ્યો

  • નર્મદાનું પાણી નહીં આવે તો ફરી રાજકોટમાં ‘પાણી’ની રામાયણ શરૂ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટને પાણી પૂરું પાડતા ઘરઆંગણાના જળાશયો ધારણા કરતા વહેલા તળિયાઝાટકવા આરે આવી ગયા છે. શહેરના મુખ્ય આધારસ્તંભ એવા આજી-૧ ડેમમાં સૌની યોજના હેઠળ અગાઉ થોડું ઘણું નર્મદા નીર ઠલવીને બાદમાં સમયસર ચોમાસુ બેસી જશે તેવી ધારણાથી આવક બંધ કરી દેવાઈ હતી.

તો ન્યારી-૧ ડેમમાં પણ જ આવી સ્થિતિ વચ્ચે અગાઉની ધારણાનું ગણિત વેરવિખેર થઈ ગયું છે. આ વખતે ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીનો વધુ ઉપાડ અને બાષ્પીભવનનું પ્રમાણ વધી જતાં ડેમ તળિયાઝાટક થવા તરફ આવી ગયા છે. ન કરે નારાયણ અને જો હજુ પણ વરસાદ ખેંચાશે અને આગોતરું પ્લાનીંગ કરીને વધારાનું નર્મદા નીર ઠાલવવામાં નહીં આવે તો ભયંકર જળસંકટ ઊભુ થાય તેવા એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે.

રાજકોટની દૈનિક પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે એક મોટો આધાર નર્મદા નીર ઉપર છે. જો આજી, ન્યારી ડેમમાં નવા નીર નહીં આવે તો નર્મદા મૈયા પર પોણા ભાગનો આધાર રાખવો પડશે. ૯૧૭ એમસીએફટીની સંગ્રહક્ષમતા ધરાવતા આજી-૧ ડેમમાં ૩૬૦ એમસીએફટી જથ્થો છે પરંતુ ડેડલેવલને બાદ કરતા પૂર્ણક્ષમતાએ પમ્પીંગ થઈ શકે તેટલો જથ્થો માત્ર ૧૭થી ૨૦ દિવસનો જ બાકી રહ્યો છે. આવી જ રીતે ૧૨૫૮ એમસીએફટીની સંગ્રહક્ષમતા ધરાવતા ન્યારી-૧ ડેમમાં હયાત જળસ્ટોક ૩૨૦ એમસીએફટીનો છે પણ પમ્પીંગથી ગ્રેવીટી સાથે ઉપાડી શકાય તેટલો જથ્થો વધીને ૨૦ દિવસ સુધી ચાલે તેટલો જ છે. જ્યારે ભાદર ડેમમાંનો આધાર સિમિત છે. પાઈપલાઈનની ક્ષમતા મુજબ ભાદર ડેમમાં વધુ લેવલ હોવા છતા ઘટ પૂરી શકાય તે રીતે વધુ ઉપાડ શક્ય નથી. આ બધા પરિબળો જોતા ૧૫ દિવસમાં જો ઘરઆંગણેના જળાશયોમાં નવા નીર નહીં આવે તો ભયંકર જળસંકટ ઉભુ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રાજકોટની અંદાજિત ૧૯ લાખની વસતી માટે પાણીની જરૂરિયાત કુલ ૪૪૮ એમએલડીની છે. અગાઉ વાવડી અને કોઠારિયા એ પછી માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા ગામ મળતા મહાપાલિકા ઉપર વધારાનો બોજ આવ્યો છે. કુલ દૈનિક ૪૪૮ એમએલડીની જરૂરિયાત સામે ૧૩૪ એમએલડી તો નર્મદા ઉપર આધાર રાખવો પડે છે. આવા સંજોગોમાં જ ઘરઆંગણાનો સ્ત્રોત આજી, ન્યારી ડેમમાં પમ્પીંગ ન થઈ શકે તેટલી ઘટ પૂરવા નર્મદા નીરની જરૂરિયાત વધી શકે છે. એ જોતા સમયસર આજી-ન્યારીમાં નર્મદા નીર ન ઠલવાય તો ભયંકર જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે.,સૌની યોજના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે આર્શિવાદરૂપ છે જ પણ કમનસીબી ક્યારેક એ થાય છે કે, બે હાથ જોડીને નર્મદાના પાણી માટે વિનંતી કરવા છતા સમયસર મળતુ નથી. આવી કમનસીબી વધુ એકવખત સર્જાઈ છે. એક રીતે કહેવામા આવે તો નર્મદા નિગમે ગંભીરતા ન લીધી હોય તેવુ પણ કહી શકાય.

જળાશયોની વર્તમાન સ્થિતિ

  • ડેમ કુલ સંગ્રહ ક્ષમતા હાલની સ્થિતિ ક્યા સુધી ચાલશે

  • આજી ૧ ૯૧૭ એમસીએફટી ૩૬૦ એમસીએફટી ૬ જુલાઈ

  • ન્યારી ૧ ૧૨૪૮ એમસીએફટી ૩૨૦ એમસીએફટી ૪ થી ૮ જુલાઈ

  • ભાદર ૧ ૬૬૪૦ એમસીએફટી ૨૨૦૦ એમસીએફટીથી વધુ જુલાઈ અંત સુધી

ડેમ ઉપાડ

  • આજી ૧ ૧૪૮ એમએલડી

  • ન્યારી ૧ ૧૫૯ એમએલડી

  • ભાદર ૪૩ એમએલડી

  • નર્મદા ૧૩૪ એમએલડી