રસ્તાઓ પર ભયનું ‘રાજકોટ’ કૂતરાઓએ 120 દિવસમાં 6 હજાર લોકોને બચકા ભર્યા
=> ડોગ ટેરર | પ્રજા અસુરક્ષિત; રખડતા શ્વાનોનો રક્તરંજિત આતંક
=> 1.13 કરોડનું ખસીકરણ નિષ્ફળ, રૂપિયા કોણ કટકટાવી ગયું ?
=> શહેરમાં દરરોજ ડોગ બાઈટનો ડર રાજકોટમાં પરિસ્થિતિ બેકાબૂ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. શહેરમાં શ્વાનોની હિંસકતા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. મનપા દ્વારા શ્વાન વસ્તી નિયંત્રણની પ્રક્રિયા માટે વાર્ષિક ૧.૧૩ કરોડ (દરરોજ અંદાજે ૩૦,૯૫૮) જેટલો જંગી ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો આર્થિક બોજ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતો હોવા છતાં, વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં જ ૫,૯૯૯ લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા સામે આવ્યું છે. જોકે, અધિકારીએ વાતાવરણના બદલાવને આક્રમક બનતા હોવાનો લુલો બચાવ કર્યો છે. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ શ્વાન કરડવાના કુલ ૫,૯૯૯ કેસ નોંધાયા છે. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ૧,૬૯૫ કેસ સામે આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં કેસોમાં આંશિક ઘટાડો નોંધાયા બાદ, એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીની સાથે બનાવોમાં ફરી ઉછાળો આવ્યો હતો અને એપ્રિલમાં જ ૧,૫૫૩ લોકો ભોગ બન્યા હતા. ૪ મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ૨,૪૫૨, સિવિલ હોસ્પિટલમાં ૨,૨૨૪ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ૧,૩૨૩ કેસ નોંધાયા છે. કરોડોના ખર્ચ છતાં પરિણામ શૂન્ય મળતાં શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે અથવા તેમાં ભારે બેદરકારી રાખવામાં આવે છે. આ અંગે મનપાના વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, શ્વાન આક્રમક બનવા પાછળ ઋતુગત ફેરફારો મુખ્ય કારણ છે. ઉનાળાની અતિશય ગરમીને લીધે શ્વાનોમાં શારીરિક તણાવ વધે છે, જેનાથી તેમનો સ્વભાવ ચીડિયો અને હિંસક બને છે.
=> શહેરીજનો માટે એડવાઇઝરી
>> બચ્ચાંને જન્મ આપનારી માદા શ્વાનના ગલુડિયાંની નજીક જવાનું ટાળવું અને પૂરતું અંતર જાળવવું.
>> ઉનાળામાં ભૂખ અને તરસને કારણે શ્વાન વધુ હિંસક બનતા હોવાથી સોસાયટીના રહીશો કે શ્વાન પ્રેમીઓએ તેમના માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરવી.
>> શ્વાનને ખોરાક આપતી વખતે સોસાયટીની અંદર કે જ્યાં બાળકો રમતા હોય તેવા રહેણાંક વિસ્તારોને બદલે, સોસાયટીની બહાર અથવા કોઈ ખુલ્લી-અવાવરુ જગ્યાએ જ ખોરાક આપવો જેથી અકસ્માત નિવારી શકાય.