Loading Please Wait !!!
ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશના મધરાત્રે દ્વાર ખૂલ્યા; ૨૧ ગાયો સાથે યુવાને ૩૮૦ કિ.મી. યાત્રા પૂર્ણ કરી

  • સપનું આવ્યું’ને અમદાવાદનો યુવાન ઘણ લઈને ચાલીને દ્વારકા પહોંચ્યું
  • પદયાત્રા કરવાનો એક જ હેતુ ગાયોની સેવા કરવાનો સંદેશ ફેલાવા માટે

સિટી ન્યૂઝ | દ્વારકા

ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે ગાયોના રખેવાળ ગોવાળિયા... શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથના દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી ૨૧ ગાયોના ઘણ સાથે દ્વારકાધીશના દર્શને પગપાળા નીકળી પડ્યો. સવારે અને સાંજે ગાયોનું ઘણ અને આ યુવાનો ૧૦-૧૦ કિલોમીટર એમ કુલ ૨૦ કિલોમીટરનું અંતર કાપતાં હતા. બપોરે અને રાત્રે રસ્તામાં જે પણ ગામ હોય ત્યાં વિસામો કરતાં હતા. અંદાજે ૩૮૦ કિલોમીટરનું લાંબું અંતર કાપીને ૧૬ દિવસે તે ગાયો સાથે દ્વારકાધીશની સન્મુખ પહોંચ્યો હતો. મંદિરના નિયત સમય બાદ પણ ખાસ કિસ્સામાં ગૌ માતા માટે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા હતા. અમદાવાદના સરખેજમાં ઉજાલા બ્રિજ પાસે રહેતાં સંદીપ જંભાણિયા ઇલેક્ટ્રિશિયન છે પરંતુ યુવાનો સાથે મળીને તે દર રવિવારે એક સેવાનું કાર્ય કરે છે. તેમના સપનું નામ નિરાધારનો આધાર છે. જેમાં ૪૦૦ લોકો જોડાયેલા છે.

છેલ્લા ૬-૭ મહિનાથી આ ગ્રુપે ભૂખ્યાને ભોજન આપવાની સેવા ચાલુ કરી છે. અમે જ એક રવિવારે ભૂખ્યા લોકોને જમાડીને તે રાત્રે ઘરે સૂતા હતા ત્યારે તેમને એક સપનું આવ્યું, તેમનો દાવો છે કે સપનામાં તેમને પગપાળા દ્વારકા જવાનો આદેશ મળ્યો હતો. તેમાં પણ ૨૧ ગાયોને સાથે લઈને જવાનું કહ્યું હતું. તેમણે સપનામાં જ કહ્યું કે હું પટેલનો દીકરો છું. મને કોણ ગાયો આપે? ત્યારે તેને જવાબ મળ્યો કે તારા ગામના મિત્રો મહેશ આહીર અને ભરત ભરવાડને કહેજે એટલે વ્યવસ્થા થઈ જશે. સવાર પડતાં જ સપનું યાદ આવ્યું એટલે તે લાઠીદડ ખાતે રહેતાં મિત્રોને ફોન કરીને પોતાના સપનાની વાત જણાવી હતી. શરૂઆતમાં તો મિત્રોએ ગાયોને પગપાળા આટલે દૂર લઈ જવા માટે આનાકાની કરી હતી પરંતુ સંદીપે સતત ૧૫ થી ૨૦ દિવસ સુધી ગામડે જઈને મિત્રો તથા ગામનાં લોકોને ભેગા કરીને વાત સમજાવી ત્યારે તે તૈયાર થયા હતા. આ યાત્રા કોઈ માણસને લઈ જવાની ન હતી એટલે કપરી જરૂર હતી. અન્ય એક કિસ્સાનું મંદિરમાં પરમિશન વગર એન્ટ્રી ન મળે. અમારું કોઈ પ્લાનિંગ નહોતું કે અમે ત્યાં કોઈને ફોન કરીને જાણ પણ કરી કે અમે આ રીતે ગાયોને લઈને આવીએ છીએ પણ દ્વારકાના રોનક ઠક્કરે અમારો વીડિયો જોયો હશે અને તેમને ભાવ જાગ્યો.

અમે જ્યારે દ્વારકાથી અમુક કિલોમીટર દૂર હતા ત્યારે તેઓ સામેથી અમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું તમે લોકો ફક્ત દ્વારકા પહોંચો બાકી બધું મારા પર છોડી દો.

લોહીથી લખેલો પત્ર

કે દ્વારકાધીશ,

આજે હું તમારી સામે કોઈ માંગણી લઈને નથી આવ્યો

હું તો મારી વેદના લઈને આવ્યો છું.

હે નાથ,

મારી આંખો સામે ગૌમાતા ભૂખી, તરસી અને રસ્તાઓ

પર રઝળતી દેખાય છે.

મારી આંખો સામે કોઈ નિરાધાર ભોજન માટે તરસે છે.

આ બધું જોઈને મારું હૃદય અંદરથી તૂટી જાય છે,

પ્રભુ...

ઘણી વખત રાત્રે ઊંઘ આવતી નથી,

એ વિચાર આવે છે કે આટલું દુઃખ જોઈને પણ હું

કેટલું ઓછું કરી શકું છું.

કે દ્વારકાધીશ,

મારી પાસે મોટી સંપત્તિ નથી, મારી પાસે મોટી સત્તા

નથી,

પણ આ આંખોમાં સમાજ માટે આંસુ છે,

હૃદયમાં ગૌમાતા માટે વેદના અને માનવતા

માટે પ્રેમ છે.

પ્રભુ,

જો મારી અંદર સાચી ભાવના હોય

તો મને એટલી શક્તિ આપજો કે,

કોઈ ગૌમાતા ભૂખી ના રહે,

કોઈ નિરાધાર ભોજન વગર ન સૂવે અને કોઈ યુવાન

પોતાના જીવનનો માર્ગ ન ભૂલે.

હે નાથ,

મારા જીવનનું મૂલ્ય એટલું જ રહે કે,

જ્યારે હું આ દુનિયામાં ન રહું ત્યારે પણ મારા કરેલા

સેવાના કાર્ય જીવંત રહે.

કે દ્વારકાધીશ,

જો રડાવવું જ હોય તો મારા માટે નહીં,

ગૌ માતાની પીડા માટે રડાવજો.

જો જીવાડવું હોય તો મારા માટે નહીં,

માનવતા માટે જીવાડજો.

મારી આ વેદના શબ્દો નથી પ્રભુ,

આ તો મારા હૃદયના આંસુઓ છે...