Loading Please Wait !!!
દિવાળી ટાણે તેલની અછત, સરકારના વાયદાઓ માત્ર કાગળ પર!

 

  • વડોદરામાં સામી દિવાળીએ રેશનિંગમાં સિંગતેલ ઘટ્યું.

  • પૂરા નાણાં ભરવા છતાં ઓછો જથ્થો ફાળવાયો.

  • વહેલા તે પહેલાના ધોરણે તેલનું વિતરણ શરુ.

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેર અને જિલ્લામાં સામી દિવાળીએ જ રેશનિંગ દુકાનો પરથી સિંગતેલ મેળવતા અનેક ગ્રાહકોને તેલ નહીં મળે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સિંગતેલ મેળવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સરખામણીએ પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોને ૨૦ થી ૪૦ ટકા જેટલો ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

દિવાળીના તહેવારો માટે વિતરણ કરવાનું થતું સિંગતેલ ચાલુ ઓક્ટોબર માસમાં આપવામાં આવી રહ્યું છે. સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પાસેથી ૧૦૦ ટકા મુજબ જથ્થાના નાણાં પૂરેપૂરા ભરાવી લેવાયા છે, છતાં દુકાનો પર માત્ર ૬૦ થી ૮૦ ટકા જથ્થો જ પહોંચાડવામાં આવી રહ્યો છે. તહેવારના દિવસોમાં દુકાનદારોના નાણાં અટવાઈ જવાથી અને 'વહેલા તે પહેલા'ના ધોરણે વિતરણ કરવું પડતું હોવાથી બાકી રહી ગયેલા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે કોઈ પણ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી અને જો એવી સ્થિતિ હશે તો તેમની માગણી મુજબનો પૂરો જથ્થો પૂરો પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રેશનિંગ દુકાનો મારફતે વિતરણ થતું ૧ લિટર સિંગતેલનું પાઉચ 'ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ' (પાટણ) કંપનીનું છે, જેના ચેરમેન પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત છે અને એમડી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ છે.

વડોદરામાં સામી દિવાળીએ સિંગતેલની અછત

વડોદરા શહેર અને જિલ્લામાં રેશનિંગ દુકાનો પર પાત્રતા ધરાવતા ગ્રાહકોની સરખામણીએ ૨૦ થી ૪૦ ટકા ઓછો સિંગતેલનો જથ્થો ફાળવવામાં આવતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરા નાણાં વસૂલવા છતાં માત્ર ૬૦ થી ૮૦ ટકા જથ્થો જ અપાતા તહેવાર ટાણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે.