ઈદનો સંદેશ; શાંતિ, પ્રેમ અને ભાઈચારો : બકરી ઈદની ઉજવણી
સિટી ન્યૂઝ@રાજકોટ
ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદ-ઉલ-અઝહા પર્વ ઇસ્લામ ધર્મના પયગંબર હજરત ઈબ્રાહિમ અલૈહિ સલામ અને હજરત ઈસ્માઈલ અલૈહિ સલામની કુરબાનીની યાદમાં ઉજવાય છે. આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાનીની ધાર્મિક વિધિ પણ અદા કરવામાં આવી હતી. તહેવાર નિમિત્તે અનેક પરિવારો પોતાના મરહૂમ સ્વજનોને યાદ કરવા કબ્રસ્તાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કબર પર ફૂલ ચડાવી ફાતિહા પઢી દુઆ કરી હતી.
વડોદરા શહેરના મુસ્લિમ બહુલ વિસ્તાર તાંદલજા ખાતે આવેલી ચિશ્તીયા જામા મસ્જિદમાં બકરી ઈદની ઉજવણીનું સૌહાર્દપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. જામા મસ્જિદના મૌલવી મુફ્તી અબ્બાસે દેશવાસીઓને ઈદની શુભકામના પાઠવી હતી. તેમણે તાંદલજા જે. પી. રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી મળેલા સાથ-સહકાર બદલ પોલીસ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પણ બકરી ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નવાપરા ખાતે આવેલી મુખ્ય ઇદગાહ મસ્જિદ તેમજ અન્ય મસ્જિદોમાં હજારોની મેદનીએ એકસાથે પવિત્ર નમાઝ પઢી હતી. અલ્કા ટોકીઝ રોડ, વડવા નેરા, સાંઢીયાવાડ, શિશુવિહાર, નવાપરા અને કુંભારવાડા જેવા વિસ્તારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
આ પર્વની અનોખી ઉજવણી ભાવનગર જિલ્લા જેલમાં પણ જોવા મળી હતી, જ્યાં જેલ પ્રશાસનના સહયોગથી સજા કાપી રહેલા મુસ્લિમ કેદીઓએ જેલ પરિસરમાં જ સમૂહ નમાઝ અદા કરી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં મસ્જિદોની અંદર જ નમાઝ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશ (UP) માં તંત્ર દ્વારા જાહેર રસ્તાઓ પર નમાઝ પઢવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ અદા કરવા સૂચના અપાઈ હતી.