જૂનાગઢમાં એસઓજીની રેડ છતાં નકલી ઘીનું વેચાણ ચાલુ!
- બજારમાં હજુ પણ 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ'નું ઘી વેચાય છે!
- રિયાલિટી ચેકમાં બેચ નંબર વગરના ડબ્બાઓનો ખુલાસો!
- લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે વેપારીઓ!
સિટી ન્યુઝ @ જૂનાગઢ : જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ નજીક એસઓજી દ્વારા 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ'ના નામે શંકાસ્પદ અને નકલી ઘીનો કારોબાર ચલાવતા કમલેશ સોઢા સામે લાલ આંખ કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવા છતાં, બજારમાં હજુ પણ આ નકલી ઘીનું વેચાણ બેરોકટોક ચાલુ રહ્યું હોવાનો રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે.
અગાઉ પકડાઈ ગયા બાદ આરોપીએ 'જય જલિયાણ સેલ્સ એજન્સી' અને અન્ય નામો બદલીને ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવાનો ધંધો ચાલુ રાખ્યો હતો, જે વહીવટી તંત્ર અને ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ખડા કરે છે.
દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે જૂનાગઢની અનેક દુકાનોમાં 'કેશવ', 'વ્રજ મટુકી' અને 'શ્રી વ્રજ' જેવી અલગ-અલગ બ્રાન્ડના નામે આ શંકાસ્પદ ઘી અકબંધ વેચાઈ રહ્યું છે.
આ તમામ ડબ્બાઓ પર એક જ સરખા એફએસએસએઆઈ (FSSAI) નંબર છપાયેલા છે પરંતુ ઉત્પાદનના સરનામા અલગ-અલગ છે, અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક પણ ડબ્બા પર બેચ નંબર કે પેકિંગની તારીખ દર્શાવવામાં આવી નથી.
વેપારીઓ આ અંગે ગોળગોળ જવાબ આપી રહ્યા છે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, ત્યારે ફૂડ વિભાગના 14 દિવસના રિપોર્ટની રાહ જોયા વગર આવા નકલી ઘીના ધંધાર્થીઓ સામે કડક ફોજદારી પગલાં લેવાની માંગ ઉઠી છે.
જૂનાગઢમાં નકલી ઘીનું વેચાણ અને તંત્રની લાપરવાહી
જૂનાગઢમાં એસઓજી દ્વારા નકલી ઘીના ગોડાઉન પર રેડ પાડ્યા બાદ પણ બજારમાં ખુલ્લેઆમ 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ' અને અન્ય નામે શંકાસ્પદ ઘીનું વેચાણ ચાલુ રહેવું એ પ્રશાસનની નિષ્ક્રિયતા દર્શાવે છે. બેચ નંબર કે પેકિંગની તારીખ વિના વેચાતી આ ચીજવસ્તુઓ નાગરિકોના સ્વાસ્થ્ય માટે હૃદયરોગ, પાચનતંત્રની ખરાબી અને કેન્સર જેવા ગંભીર જોખમો નોતરી રહી છે. સરકાર દ્વારા અન્ય ડેરી પ્રોડક્ટ્સ સામે કડક કાયદા બનાવાયા છે ત્યારે લોકોના જીવન સાથે સીધા ચેડાં કરતા આ કૌભાંડીઓ સામે દાખલારૂપ અને સખત કાનૂની કાર્યવાહી કરવી અત્યંત અનિવાર્ય છે.