કામ્યા ટેક્સટાઇલ્સના ડિરેક્ટર દંપતિ સામે ₹.6.18 કરોડની છેતરપિંડીની ફરિયાદ
» રાજકોટની રૈયારાજ કંપનીના સંચાલક દંપતિ, મિત્રોને વળતર આપવાનું કહી ફસાવ્યા
» વધુ રોકાણ કરશો તો શેર આપીશ કહી હાથ ઊંચા કરી દીધા : પોલીસ દ્વારા તપાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના રણછોડનગરમાં રહેતાં અને રૈયારાજ એન્ડ કંપનીના નામે પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરતાં પટેલ મહિલા અને તેમના પતિ પાસેથી પતિના મિત્ર નાના મવા રોડ પર રહેતાં મૂળ ગોંડલના કોલીથડના વતની અને ગરનાળામાં કામ્યા ટેક્સટાઇલ્સ નામે પેઢી ચલાવતાં પટેલ શખ્સ અને તેના પત્નિએ પોતાની પેઢીમાં રોકાણ પર મહિને ૨ થી ૩ ટકા વળતરની લાલચ આપી ૪૫ લાખ બેંક મારફત અને રોકડેથી ૪ કરોડ મેળવી લઈ તેમજ ફરિયાદી મહિલાના સગા, મિત્ર પાસેથી પણ આ રીતે નાણા મેળવી લઈ વળતર કે કંપનીના શેર ન આપી ૬ કરોડ ૧૮ લાખની ઠગાઈ કરતાં દંપત્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવમાં બી-ડિવિઝન પોલીસે પેડક રોડ રણછોડનગર શ્રી સદ્ગુરુ જ્યોત કોમ્પલેક્ષમાં રહેતાં જલ્પાબેન જીતેન્દ્રભાઈ બાબુભાઈ રૈયાણીની ફરિયાદ પરથી તેમના પતિના મિત્ર નાના મવા રોડ ક્રિસ્ટલ હોસ્પિટલ પાસે દ્વારકેશ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૧૦૩માં રહેતાં દિવ્યેશ ધીરજલાલ સાવલીયા અને તેના પત્નિ નિલમબેન દિવ્યેશ સાવલીયા વિરૂદ્ધ ૬,૧૮,૫૦,૦૦૦ની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જલ્પાબેને રૈયાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. મારા સાસુ અમારી સાથે રહે છે, સસરા હયાત નથી. રૈયારાજ એન્ડ કંપનીના નામથી અમે પ્લાસ્ટીકના દાણા વેંચવાનું કામ કરીએ છીએ. આ પેઢીનું સંચાલન મારા પતિ જીતેન્દ્રભાઈ બાબુભાઈ રૈયાણી કરે છે. આ પેઢીની ઓફિસ નવાગામ આણંદપુર રઘુવીર ડેલાની બાજુમાં છે. પેઢીના જીએસટી નંબર પણ છે. મારા પતિના મિત્ર-ઓળખીતા દિવ્યેશ સાવલીયા હાલ નાનાવા મવા રોડ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની કામ્યા ટેક્સટાઇલ્સ પ્રા.લિ. પેઢી ગોંડલના ગરનાળા ગામે છે. ଦିବ୍ୟେଶનું મૂળ ગામ ગોંડલનું કોલીથડ છે. દિવ્યેશ સાવલીયાને તેની પેઢીમાં રૂપિયાની જરૂર હોઈ જેથી મારા પતિને વાત કરી હતી કે તમારી પાસે રૂપિયા હોય તો મારી પેઢીમાં રોકાણ કરો, હું તમને મહિને ૨ થી ૩ ટકા વળતર આપીશ. જેથી મેં મારા એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી દિવ્યેશ સાવલીયાએ જણાવ્યા મુજબ તેના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શાપર બ્રાંચના ખાતામાં તા. ૨/૫/૨૩ના રોજ રૂા. ૫ લાખ, તા. ૪/૫/૨૩ના રોજ રૂા. ૫ લાખ મળી ૧૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદ અમારા વળતરના રૂપિયા બાબતે વાત કરતાં દિવ્યેશે કહેલું કે એક સાથે વળતર ચુકવશે. બાદમાં ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં દિવ્યેશે મારા પતિને જણાવેલ કે તમે જે રોકાણ કર્યું છે તે તથા અન્ય નાણા અમારી કંપનીમાં જમા કરાવશો તો હું અમારી કંપનીના શેર આપીશ. જેથી અમે ફરી ૧/૨/૨૫ના રોજ રૂા. ૧૦ લાખ, ૧૦/૨ના ૧ લાખ, ૪ લાખ, ૧૦ લાખ અને ૧૭/૨/૨૫ના ૧૦ લાખ મળી રૂા. ૩૫ લાખ મારા પતિના કહેવાથી દિવ્યેશ સાવલીયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કામ્યા ટેક્સટાઇલ્સમાં દિવ્યેશ સાથે તેના પત્નિ નિલમબેન સાવલીયા પણ ડાયરેક્ટર છે. અમે દિવ્યેશ સાવલીયાની કામ્યા ટેક્સટાઇલ્સ પેઢીમાં અને તેના પર્સનલ ખાતામાં વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં રૂા. ૪૫ લાખ બેંક મારફત ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા પણ અમને પરત આપ્યા નથી કે તેની કામ્યા ટેક્સટાઇલ્સ કંપનીના શેર પણ અમે આપ્યા નથી. આ ઉપરાંત રોકાણ પર કોઈ વળતર પણ અમને આપ્યું નથી. મારા પતિ ઉપરાંત અમારા સગા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયાએ નાણા આપ્યા હતા. આ ઉપરાંત મારા પતિના મિત્ર અલ્તાફભાઈ પાસેથી પણ રોકડા રૂપિયા ૫ કરોડ લઈ દિવ્યેશે કામ્યા ટેક્સટાઇલ્સ કંપનીના શેર આપવા બાબતે એક કાગળમાં લખાણ કરી આપ્યું હતું. અલ્તાફભાઈને ૧૦ ટકા શેર આપ્યા છે. પરંતુ મારા પતિને આપવાના ૪૦ ટકા શેર આપ્યા નથી અને મારા પતિએ આપેલા રોકડા ૪ કરોડ પણ પરત ન આપી કોઈ વળતર પણ આપ્યું નથી. અમારા સગા રાજેશભાઈ લીંબાસીયા પાસેથી પણ દિવ્યેશે પેઢીમાં રોકાણ અને શેર આપવાનું કહી રૂા. ૨,૦૫,૫૦,૦૦૦ મેળવી લીધા હતાં. તેમાંથી રૂા. ૬૨ લાખ વળતર સ્વરૂપે આપ્યા છે. બાકીના ૧,૪૩,૫૦,૦૦૦ આપ્યા નથી. તેમજ મારા પતિના મિત્ર કલ્પેશભાઈ જયસુખભાઈ માલકીયાને પણ કામ્યા ટેક્સટાઇલ્સમાં રોકાણના નામે શેર આપવાના નામે લલચાવી તેમની પાસેથી રૂા. ૩૦ લાખ મેળવી લઈ તેમને પણ કોઈ વળતર આપ્યુ નથી. આમ દિવ્યેશ સાવલીયા અને તેના પત્નિ નિલમબેન સાવલીયાએ અમારી પાસેથી બેંક મારફત રૂા. ૪૫ લાખ, પતિ પાસેથી રોકડેથી રૂા. ૪ કરોડ તથા અમારા સગાના રૂા. ૧,૪૩,૫૦,૦૦૦ અને પતિના મિત્ર કલ્પેશભાઈ પાસેથી ૩૦ લાખ મળી કુલ રૂા. ૬,૧૮,૫૦,૦૦૦ મેળવી લઈ કામ્યા ટેક્સટાઇલ્સમાં રોકાણ કરાવી વળતર અને શેર આપવાની લાલચ દઈ વળતર કે શેર ન આપી તેમજ પેઢીનો હીસાબ, ઓડીટ રિપોર્ટ પણ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોઈ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જલ્પાબેન જીતેન્દ્રભાઈ રૈયાણીએ જણાવતાં બી-ડિવિઝન પીઆઈ જી. આર. ચૌહાણ, હીરાભાઈ રબારી સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.