Loading Please Wait !!!
ડ્રગ્સ વેચાણના વીડિયોથી ચર્ચામાં આવેલી તમન્ના સામે 2 દિવસમાં 4 થી ફરિયાદ!

 

  • વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 2 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ.

  • ગેરેજ સંચાલક પાસે 1 લાખ રૂપિયા માગી ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી.

  • કીર્તિ પટેલ બાદ તમન્ના સૈયદના ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એકાઉન્ટ પર પ્રતિબંધ.

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનો દાવો કરતો વીડિયો વાઈરલ કરીને ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ સામે માત્ર 2 દિવસમાં 4 થી ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજ સ્થિત 'ઈનવિઝીબલ કાફે'ના સંચાલક મહમંદ ઝૈદ અયાઝ શેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તમન્નાએ કાફેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપીને 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આ ઉપરાંત તમન્નાના પતિ સોહિલ સૈયદ સામે પણ એક ગેરેજ સંચાલક પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી ટાંટિયા તોડી નાખવાની અને માર મારવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. કાર રિપેરિંગ અને સામાન ગાયબ થવાના ખોટા આક્ષેપો મૂકીને આ દંપતી વારંવાર ફરિયાદીના ઘરે જઈને ગાળો આપતું હતું. વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી અને ધમકીના મામલે આ દંપતી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે.

સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરીને વેપારીઓને ડરાવવાની વૃત્તિ સામે કડક કાર્યવાહી કરતા તમન્ના સૈયદના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અગાઉ આવી જ પ્રવૃત્તિઓ માટે કીર્તિ પટેલના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી સોશિયલ મીડિયા પર થતી તોડબાજી પર લગામ લગાવી શકાય.

પોલીસે આરોપી દંપતીને અદાલતમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સોહિલ સૈયદ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, ધાડ અને ઠગાઈ સહિતના કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, તેમજ તમન્નાના પરિવારનો પણ ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.

પોલીસ હાલમાં આ દંપતી દ્વારા કરવામાં આવેલા અન્ય આર્થિક ગુનાઓ અને ધમકીના મામલાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા અને કાનૂની શિસ્ત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કોઈને ધમકાવવા કે ગેરકાયદેસર ઉઘરાણી કરવા માટે કરવા સામે કાનૂની કાર્યવાહી અને ડિજિટલ પ્રતિબંધ અત્યંત જરૂરી છે.