Loading Please Wait !!!
ટ્યુશન ક્લાસિસ મનફાવે તેવી ફી નહીં વસૂલી શકે: FRC જેવા કડક નિયમો

  • વાલીઓને રાહત: રાજ્ય સરકાર બિલ લાવશે
  • સંચાલકોએ ફી સહિતની માહિતી ઓનલાઈન મુકવી પડશે

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં વર્ષોથી મનમાની રીતે ચાલતા ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ પર હવે સરકાર કડક નિયંત્રણ લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં ‘પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક’ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલા આ કાયદામાં ક્લાસિસના સંચાલન, ફી, સુરક્ષા અને શિક્ષકોની લાયકાત સહિતના અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવશે.મળતી માહિતી મુજબ, આ બિલ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. બિલ અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસિસ માટે અલગ સત્તાધિકારી (ઓથોરિટી) બનાવવામાં આવશે, જે ક્લાસિસનું રજિસ્ટ્રેશન, લાયસન્સ અને નિયમોના પાલન પર દેખરેખ રાખશે.સરકારના પ્રસ્તાવ મુજબ દરેક જાતની ક્લાસિસને વિદ્યાર્થીઓ, શિક્ષકો (ફેકલ્ટી) અને વસૂલાતી ફીની વિગતો ઓનલાઈન નોંધાવવી ફરજિયાત રહેશે. સાથે જ ક્લાસિસ દ્વારા વસૂલાતી ફી માટે મહત્તમ મર્યાદા (ફી કેપ) નક્કી કરવામાં આવશે જેથી વાલીઓ પાસેથી મનફાવે તેવી ફી વસૂલવામાં ન આવે.

પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક

  • રજિસ્ટ્રેશન અને લાયસન્સ આપવા માટે અલગ ઓથોરિટી.

  • વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વસુલાતી ફીની વિગતો ઓનલાઈન નોંધાવવી ફરજિયાત.

  • ફીની મહત્તમ મર્યાદા નક્કી કરાશે, મનફાવે તેમ ફી વસૂલી શકાશે નહીં.

  • વિદ્યાર્થી અધવચ્ચેથી કોર્સ છોડે તો તેને બાકીના સમયની ફી પરત આપવી પડશે.

  • ફાયર NOC અને ઈમરજન્સી એક્ઝિટ સિવાય ક્લાસ ચલાવી શકાશે નહીં.

  • શિક્ષકો માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન ફરજિયાત રહેશે.

  • ટીચીંગ અને નોન-ટીચીંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે.

  • નિયમોનું ઉલ્લંઘન કરે તો ૨૫ હજારથી લઈને ૧ લાખ સુધીનો.

વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની જોગવાઈ તરીકે જો કોઈ વિદ્યાર્થી કોર્સ અધવચ્ચેથી છોડે તો તેને પ્રો-રેટા ધોરણે ફી પરત આપવાની જોગવાઈ પણ કરવામાં આવશે. અત્યાર સુધી ઘણા ક્લાસિસ દ્વારા સંપૂર્ણ ફી પરત ન આપવાની ફરિયાદો સામે આવતી રહી છે. ફાયર NOC વગર કોઇપણ ક્લાસિસ ચલાવી શકાશે નહીં સુરક્ષાને પ્રાથમિકતા આપતા બિલમાં ફાયર NOC વગર

કોઈપણ ક્લાસિસ ચલાવી શકાશે નહીં તેવી જોગવાઈ રહેશે. ઉપરાંત દરેક ક્લાસિસમાં ઇમરજન્સી એક્ઝિટ સહિતની જરૂરી સુરક્ષા સુવિધાઓ ફરજિયાત બનાવશે. શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લાસિસમાં ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવશે. સાથે જ શિક્ષકો અને નોન-

ટીચીંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત રહેશે.નિયમોનું ઉલ્લંઘન કરનારને ૨૫ હજારથી ૧ લાખ સુધીનો દંડ

સરકાર નિયમોના ભંગ સામે પણ કડક વલણ અપનાવશે. બિલ મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર ક્લાસિસ સંચાલકો સામે રૂ. ૨૫ હજારથી લઈને રૂ. ૧ લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવશે. આ કાયદો અમલમાં

આવ્યા બાદ રાજ્યભરમાં ખાનગી કોચિંગ ક્લાસિસ માટે એક સમાન નિયમ વ્યવસ્થા ઉભી થશે અને વિદ્યાર્થીઓ-વાલીઓના હિતોની વધુ અસરકારક રીતે સુરક્ષા થઈ શકશે.

રાજ્યમાં ઝડપથી વધી રહેલા ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસમાં ફી અંગેની મનમાની, સુરક્ષાના અભાવ, વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ, આગ જેવી દુર્ઘટનાઓ તેમજ પારદર્શિતાના અભાવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ૮ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ బోర్ડ (GSEB)ના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતિને ખાનગી ટ્યુશન ક્લાસિસ માટે કાયદા અને નિયમોનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સમિતિ રાજ્ય તથા કેન્દ્ર સરકારની કોચિંગ સેન્ટર સંબંધિત માર્ગદર્શિકાઓ અભ્યાસ કરીને રજિસ્ટ્રેશન, લાયસન્સ, ફી નિયંત્રણ, વિદ્યાર્થી સુરક્ષા, ફાયર સેફટી, શિક્ષકોની લાયકાત, પોલીસ વેરિફિકેશન અને અન્ય નિયમનકારી જોગવાઈઓ અંગે સરકારને ભલામણ કરશે, જેના આધારે રાજ્યમાં ખાનગી કોચિંગ ક્લાસિસ માટે કડક નિયમનકારી માળખું અમલમાં મૂકવામાં આવશે.