રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને બેસ્ટ કામગીરીનો સ્ટેટ એવોર્ડ
» અમદાવાદમાં GSFA દ્વારા રાજકોટને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ આયોજન બદલ સન્માનિત કરાયું
» પ્રમુખ ગુણવંત ડેલાવાળા સહિતના હોદ્દેદારોએ રાજ્ય એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ૩ જૂન ૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે એક ભવ્ય વાર્ષિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને પોતાના જિલ્લામાં ફૂટબોલ રમતને પ્રોત્સાહન આપવા અને બેસ્ટ કામગીરી કરવા બદલ વિશેષ એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા જિલ્લાની ટીમનું સિલેક્શન કરવા માટે ગર્લ્સ અને બોય્ઝની તમામ કેટેગરીમાં શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ યોજવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજકોટમાં અંડર ૨૦ બોય્ઝ માટે સ્વ. અશોક પરમાર ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ, જુનિયસ કપ બેબી લીગ (અંડર ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૭), અંડર ૧૪ અને ૧૭ બોય્ઝ-ગર્લ્સ માટે સ્વ. શેઠ જેંતી કુંડલિયા મેમોરિયલ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સ્વ. પીટર જેક અને સ્પ. ડી. આર. ગોસાઈ મેમોરિયલ સિનિયર ફૂટબોલ ટૂર્નામેન્ટ તેમજ સન શાઈન સુપર કપ ૫ એ સાઈડ ફૂટબોલ ટૂર્નામેન્ટ જેવી સ્પર્ધાઓ પણ સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.
આ વાર્ષિક સન્માન સમારોહમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ટ્રેઝરર અમૃતલાલ બોરાસીના કાર્યોની પણ ખાસ નોંધ લેવાઈ હતી. GSFA માં છેલ્લા ૩ વર્ષથી મીડિયા મેનેજર તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ બજાવતા બદલ અમૃતલાલ બોરાસીની કામગીરીને વિશેષ રીતે બિરદાવવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ સન્માન મળવા બદલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંત ડેલાવાળા, ઉપપ્રમુખ બી. કે. જાડેજા અને સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના તમામ સભ્યોએ હર્ષની લાગણી અનુભવી હતી અને GSFA નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.