રાજકોટમાંથી દોઢ કિલો ગાંજા સાથે બે ઝડપાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં SAY NO TO DRUGS અંતર્ગત કાર્યવાહી કરવાની સુચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જયહીંદ મોટર્સ પ્રા.લી.ની સામે બે શખ્સો ગાંજાના જથ્થા સાથે ઉભા છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી બંનેને અટકાયતમાં લઈ નામઠામ પૂછતા પોતે મૂળ જસદણનો હાલ જુના યાર્ડ પાસે રહેતો આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઈ દેશાણી અને બિહારનો પિયુષકુમાર શૈલેન્દ્રસિંગ હોવાનું જણાવતા બંનેની ઝડતી લેતા ૧ કિલો ૪૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે બે ફોન, ગાંજો મળી કુલ ૮૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી પૂછતાછ કરતા પોતે આ જથ્થો એસટી બસ મારફતે દાહોદના ફતેપુરાથી લાવ્યા હોવાનું જણાવતા બંને સામે બી ડીવીઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસને કબ્જો સોંપ્યો હતો.