Loading Please Wait !!!
ગ્લાસગો કોમનવેલ્થ 2026: ભારતનો 125 ખેલાડીઓનો કાફલો તૈયાર

8 રમતોમાં મેડલ માટે ખેલાડીઓ મેદાને, કુસ્તી ન હોવાથી ટોપ-5 માં રહેવો મોટો પડકાર

77 પુરુષ અને 48 મહિલા ખેલાડીઓ સ્કોટલેન્ડમાં ભારતનો ડંકો વગાડવા મેદાને ઉતરશે.

ઓસ્ટ્રેલિયાની પીછેહઠ બાદ સ્કોટલેન્ડમાં ચોથી વખત આયોજન, નીરજ ચોપરા સહિતના સ્ટાર્સ પર નજર.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ફિફા વર્લ્ડ કપના રોમાંચ બાદ હવે રમતપ્રેમીઓ માટે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 2026 કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠિત રમતોની 23 મી આવૃત્તિ માટે અધિકૃત માસ્કોટ તરીકે 'ફિન્ની ધ યુનિકોર્ન' ને પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ ખર્ચના કારણોસર ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંત દ્વારા નામ પાછું ખેંચવામાં આવ્યા બાદ ગ્લાસગોને આ મેજબાની સોંપવામાં આવી છે.

સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું હોય તેવો આ ચોથો પ્રસંગ છે. આ મહાસંગ્રામમાં ભાગ લેવા માટે ભારત દ્વારા કુલ 125 ખેલાડીઓની મજબૂત ટુકડી મોકલવામાં આવી છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, જુડો અને સ્વિમિંગ સહિત કુલ 8 રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરશે અને મેડલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અગ્રણી અને દિગ્ગજ એથ્લેટ્સ પર સમગ્ર દેશની નજર રહેશે. ખાસ કરીને નીરજ ચોપરા, સરવેશ કુશારે, મુરલી શ્રીશંકર, પ્રવીણ ચિત્રાબેલ, પારુલ ચૌધરી અને ગુલવીર સિંહ જેવા સ્ટાર ખેલાડીઓ પાસેથી મેડલની મોટી અપેક્ષાઓ છે. આ ઉપરાંત વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂ તેમજ બોક્સિંગમાં લવલીના, પ્રીતિ, જેસ્મિન લેંબોરિયા અને નરેંદર બેરવાલ ભારત માટે મહત્વના મેડલ લાવી શકે છે.

અગાઉની સરખામણીએ આ વખતે ભારત માટે મેડલ જીતવા થોડા મુશ્કેલ બની રહેશે. ગયા વખતે કોમનવેલ્થમાં કુલ 11 રમતો સામેલ હતી, પરંતુ આ વખતે રમતોની સંખ્યા ઘટાડવામાં આવી છે. ખાસ કરીને ભારતે પાછલી વખતે સૌથી વધુ 12 મેડલ માત્ર કુસ્તીમાં જ મેળવ્યાં હતાં, જે રમતને આ વખતે ગેમ્સમાંથી બહાર કાઢી મૂકવામાં આવી છે. આ નિર્ણયથી ભારતની મેડલની આશાઓને મોટો ફટકો પડ્યો છે.

કુસ્તી ઉપરાંત ગયા વખતે ટેબલ ટેનિસમાં 7, હોકીમાં 2, ક્રિકેટમાં 1 અને બેડમિન્ટનમાં 6 મેડલ ભારતીય ખેલાડીઓએ મેળવ્યાં હતાં. આ વખતે આ રમતોની બાદબાકીના કારણે ભારતીય ટીમ માટે મેડલ ટેલીમાં ટોપ 5 માં સ્થાન જાળવી રાખવું જરા પણ સરળ નહીં હોય. આમ છતાં, 8 રમતોમાં ભાગ લઈ રહેલા 125 ખેલાડીઓ દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

કોમનવેલ્થમાં કુસ્તી ન હોવાથી ભારતને મોટો ફટકો

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં કુસ્તી, હોકી અને બેડમિન્ટન જેવી રમતોને બાકાત રાખવામાં આવતા ભારત માટે વધુ મેડલ જીતવા કપરા બની ગયા છે. આ રમતોમાં ભારતે અગાઉ અનેક મેડલ જીત્યા હતા. જોકે, નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનૂ જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીથી ભારત અન્ય રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં સારું સ્થાન મેળવવાનો પૂરો પ્રયાસ કરશે.