ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીની ફરિયાદ
- 136 લોકોને 2 કરોડ વ્યાજે આપ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ : જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ (અસ્ફાક સલાટ) અને કાળું સલાટ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પોલીસે બંનેની ધરપકડ કરી તેમના કબજામાંથી 136 ભોગ બનનારના 375 કોરા ચેક જપ્ત કર્યા હતા. પોલીસે તમામ 136 પીડિતોને રૂબરૂ બોલાવીને તેમના ચેક પરત અપાવ્યા છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ, ફરિયાદી જીતેશભાઈ સતાણીએ અસ્ફાક પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
જેમાંથી 70,000 ચૂકવી દીધા હોવા છતાં અસ્ફાક જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ આસપાસના 136 લોકોને અંદાજિત 2 કરોડ રૂપિયા 3 થી 10 ટકાના ઊંચા વ્યાજે આપ્યા હતા અને વ્યાજ-મુદલ ચૂકવ્યા બાદ પણ લોકોના કોરા ચેક પરત કરતા ન હતા. આરોપી અસ્ફાકે વાસાવડ ગામમાં 6 વીઘા સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર ફાર્મહાઉસ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ દબાણ દૂર કરવા અને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા પોલીસે જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી માંગી છે.
આરોપી સામે અગાઉ પણ 3 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. થોડા દિવસ અગાઉ જ તેની ઓફિસમાં કામ કરતા અકીલભાઈ નામના યુવાને નોકરી છોડવાની વાત કરતા આરોપીઓએ હિસાબમાં 2.20 લાખની ભૂલ કાઢીને તેને માર માર્યો હતો. તેમજ બળજબરીથી 3 કોરા ચેક પડાવી, પગારમાંથી 2,88,000 રૂપિયા કાપી લઈ 8.50 લાખની ખોટી નોટિસ મોકલી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
વ્યાજખોરો સામે એસપીની અપીલ એસપી વિજયસિંહ ગુર્જરે નાગરિકોને અપીલ કરી છે કે કોઈને પણ કોરા ચેક ન આપવા, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. જો કોઈ વ્યાજખોર ધમકાવતો હોય તો સીધો પોલીસનો સંપર્ક કરવો.
(1) વિજયસિંહ ગુર્જર, જિલ્લા પોલીસ વડા મોબાઈલ નંબર 9978405080, (2) સિમરન ભારદ્વાજ, ASP ધોરાજી મોબાઈલ નંબર 9213000434, (3) નવીન રેપુડી, ASP જસદણ મોબાઈલ નંબર 9494965259, (4) કે જી ઝાલા, DYSP ગોંડલ મોબાઈલ નંબર 9978407095, (5) આર એ ડોડીયા, DYSP જેતપુર મોબાઈલ નંબર 9978408188