₹1071 કરોડનું સાયબર ફ્રોડ: 25 વર્ષીય રફીકુલ આલમ ઝડપાયો
-
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાજ્ય સાયબર નેટવર્કનો કર્યો પર્દાફાશ
-
CBI અને ED ના નામે સિનિયર સિટીઝન્સને ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા કરોડો રૂપિયા
-
3 કલાકમાં 1754 બેંક ખાતાઓમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન કરી નાણાં ગાયબ કરાતા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશવ્યાપી સ્તરે ફેલાયેલા ₹1071 કરોડના મહાકાય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય નેટવર્કના મુખ્ય સૂત્રધાર રફીકુલ આલમ (ઉં.વ. 25, રહે. આસામ) ની ધરપકડ કરી છે. અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે થયેલી છેતરપિંડીની તપાસ દરમિયાન આ વિશાળ આંતરરાષ્ટ્રીય કૌભાંડની કડીઓ ખુલી હતી, જેમાં આરોપી દ્વારા એકલા હાથે કુલ 1,090 સાયબર ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સાયબર સેલના એસપી વિવેક ભેડાના જણાવ્યા મુજબ, આરોપી અને તેની ગેંગ પોલીસ, CBI, ED અથવા અન્ય કેન્દ્રીય એજન્સીઓના નકલી અધિકારી બની લોકોને ટાર્ગેટ કરતા હતા. નિર્દોષ નાગરિકોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે ગેરકાયદે નાણાકીય લેવડદેવડના ખોટા કેસોમાં સંડોવણી હોવાનો ડર બતાવી વીડિયો કોલ દ્વારા 'ડિજિટલ એરેસ્ટ' કરવામાં આવતા હતા. પીડિતોને સતત કેમેરા સામે બેસાડી રાખી માનસિક દબાણ ઊભું કરીને લાખો-કરોડો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે ફ્રોડથી મેળવેલા નાણાંની હિલચાલ છુપાવવા માટે ગેંગ દ્વારા 1,754 જેટલા વિવિધ બેંક એકાઉન્ટ્સમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. આખી પ્રક્રિયા માત્ર 3 કલાકમાં પૂરી કરી દેવાતી જેથી પોલીસ કે એજન્સીઓ ખાતા ફ્રીઝ ન કરી શકે. ત્યારબાદ તમામ રકમ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલી દેવાતી હતી.
આરોપી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલમાંથી 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાં ₹16 કરોડથી વધુના ક્રિપ્ટો વ્યવહારોની પુષ્ટિ થઈ છે. આરોપી વોટ્સએપ દ્વારા ચીનના સાયબર ક્રિમિનલ્સ સાથે સીધા સંપર્કમાં હતો અને ભારતીય નાગરિકો પાસેથી લૂંટેલા નાણાં ક્રિપ્ટો મારફતે ચાઈનીઝ હેન્ડલર્સ સુધી પહોંચાડતો હતો.
સાયબર ક્રાઈમ વિભાગે નાગરિકોને સાવચેત કરતાં જણાવ્યું છે કે કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' કરતી નથી. અજાણી વ્યક્તિ સાથે બેંક વિગતો કે સંવેદનશીલ ઓળખ પુરાવા શેર કરવા નહીં અને આવા ફ્રોડ કોલ આવે ત્યારે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો.
₹1071 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું
ગુજરાત સાયબર સેલે 1,090 ગુનાઓમાં સંડોવાયેલા આસામના 25 વર્ષીય રફીકુલ આલમની ધરપકડ કરી છે. આરોપી CBI-ED ના નામે ડિજિટલ એરેસ્ટ કરી ₹1071 કરોડની છેતરપિંડી આચરતો હતો. નાણાં 1754 બેંક ખાતાઓમાં વહેંચીને ક્રિપ્ટો દ્વારા ચીનના ગુનેગારોને મોકલાતા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનતાં અટકવા 1930 હેલ્પલાઈન પર તુરંત જાણ કરવી.