વૈશ્વિક મંદીના કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ સંકટમાં. અમદાવાદમાં 40 ટકા હીરાના કારખાનાઓના પાટિયા પડ્યા.
-
રશિયા-યુક્રેન યુદ્ધથી કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવાઈ.
-
બેરોજગારી વધતા હજારો રત્નકલાકારોએ વ્યવસાય છોડી દીધો.
-
હીરા બજારમાં 21 દિવસનું લાંબુ વેકેશન જાહેર.
સિટી ન્યુઝ @ સુરત
ગુજરાતના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક આર્થિક કટોકટી અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર પડી છે. એક સમયે વૈશ્વિક સ્તરે ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં ડંકો વગાડતો હીરા ઉદ્યોગ હાલમાં ભારે મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આ આર્થિક સંકટના કારણે હજારો રત્નકલાકારોએ પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય ક્ષેત્રોમાં મજૂરી કે વૈકલ્પિક રોજગારી શોધવાની નોબત આવી છે.
હીરાના કારખાનાના માલિકોનું કહેવું છે કે આ મંદી પાછળ વૈશ્વિક પરિસ્થિતિઓ મુખ્યત્વે જવાબદાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ મધ્ય-પૂર્વના તણાવને કારણે કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે રફ માલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ, અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો નોંધાતા સ્થાનિક ઉદ્યોગકારો બેવડા મારનો સામનો કરી રહ્યા છે.
મંદીની સૌથી માઠી અસર નાના અને મધ્યમ કક્ષાના કારખાનાઓ પર પડી છે. એકલા અમદાવાદમાં અગાઉ 600થી વધુ હીરાના કારખાના ધમધમતા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 40 ટકા જેટલા કારખાના કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે. ઓર્ડરના અભાવ અને આર્થિક બોજ ન ઉપાડી શકવાના કારણે અનેક માલિકોએ કારખાના બંધ કરવાનો કે કામકાજના કલાકો ઘટાડવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં અગાઉ 2 લાખથી વધુ રત્નકલાકારો હીરા ઘસીને રોજીરોટી મેળવતા હતા, પરંતુ મંદીના વંટોળમાં રોજગારી ગુમાવવાને કારણે આજે તેમની સંખ્યા ઘટીને માત્ર 1.25 લાખ આસપાસ પહોંચી ગઈ છે. હજારો પરિવારો આર્થિક કટોકટીમાં સપડાતા રત્નકલાકારો મજબૂરીવશ હીરા ઉદ્યોગને અલવિદા કહી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વખતે હીરા બજારમાં અને કારખાનાઓમાં સત્તાવાર રીતે 21 દિવસનું લાંબુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો ટાણે જ લાંબા વેકેશન અને કામકાજના અભાવે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે.