શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને 'અટલ સુશાસન પુરસ્કાર'
-
વર્ગ-1 ના અધિકારીઓને ₹31,000 નું રોકડ ઇનામ
-
વર્ગ-2 ના અધિકારીઓને મળશે ₹21,000 ઇનામ
-
7 મુખ્ય વિભાગોના અધિકારીઓની થશે પસંદગ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ માટે 'અટલ સુશાસન પુરસ્કાર'ની જાહેરાત કરી છે. વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે હવેથી દર વર્ષે આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વર્ગ-1 ના અધિકારીઓને ₹31,000 અને વર્ગ-2 ના અધિકારીઓને ₹21,000 નું રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ પુરસ્કાર માટે અધિકારીઓની પસંદગી માત્ર સામાન્ય કામગીરીના આધારે નહીં, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા અગાઉથી નિર્ધારિત મૂલ્યાંકન મુદ્દાઓ અને માપદંડોના આધારે કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ સંબંધિત વિભાગોમાં અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અલગથી મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવશે.
આ પુરસ્કાર માટે મુખ્યત્વે 7 વહીવટી વિભાગોનો સમાવેશ કરાયો છે. જેમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ, શિક્ષણ, માર્ગ-મકાન, અન્ન-નાગરિક પુરવઠા-ગ્રાહકોની બાબતો, રમત-ગમત-યુવા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને મહેસૂલ વિભાગનો સમાવેશ થાય છે. મામલતદારની કામગીરીના મૂલ્યાંકન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરનો સમાવેશ કરતી સમિતિની જોગવાઈ કરવામાં આવી છે.
પંચાયત સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ કે સચિવ પંચાયત અને પંચાયત અધ્યક્ષ આ પ્રક્રિયા સંભાળશે, જ્યારે મહેસૂલ સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ કે સચિવ મહેસૂલ અને મહેસૂલ અધ્યક્ષ રહેશે. આ વ્યવસ્થાથી વહીવટી કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે.
નિયમો અનુસાર તમામ સંબંધિત વિભાગોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં મૂલ્યાંકનની સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની રહેશે, જેથી પારદર્શક રીતે ઉત્કૃષ્ટ અધિકારીઓની પસંદગી થઈ શકે. સરકારના આ પગલાથી કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ વધશે અને જનહિતના કાર્યો વધુ વેગવંતા બનશે.
અટલ સુશાસન પુરસ્કારથી વહીવટી કાર્યક્ષમતા વધશે
સરકાર દ્વારા શરૂ કરાયેલા આ નવા પુરસ્કારથી અધિકારીઓમાં સ્પર્ધાત્મક ભાવના વિકસશે અને પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવામાં મદદ મળશે, જે સમગ્ર વહીવટી તંત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.