યુસુફ પઠાણને વડોદરાના તાંદલજામાં જમીન ફાળવણીને મંજૂરી!
-
500 ચોરસ મીટર જમીન ભેટમાં અને બાકીની રાહતદારે અપાશે!
-
VMCના વિવાદિત પ્લોટ મામલે સરકારનો મોટો નિર્ણય!
-
20.53 કરોડની જમીન ફાળવણીથી રાજકારણ અને વિવાદ ગરમાયા!
સિટી ન્યુઝ @ વડોદરા : રાજ્ય સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના તાંદલજા વિસ્તારમાં આવેલા 978 ચોરસ મીટરના ચર્ચાસ્પદ અને વિવાદિત પ્લોટને પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફાળવણી અંતર્ગત 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા જેટલી રાહતદારે ટ્રાન્સફર કરવામાં આવશે.
VMCના જમીન અને મિલકત વિભાગ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્ત ટાઉન પ્લાનિંગ સ્કીમ-22 હેઠળના તાંદલજા વિસ્તારના પ્લોટ સાથે સંકળાયેલી છે. પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયાના મૂલ્યાંકનને આધારે આ જમીનની કુલ બજાર કિંમત અંદાજે 20.53 કરોડ રૂપિયા થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા અન્ય સમાન કેસો માટે કોઈ મિસાલ બનશે નહીં અને મહેસૂલ વિભાગ દ્વારા આ જમીનના મૂલ્ય સમકક્ષ કિંમતની અન્ય જમીન VMCને ફાળવવામાં આવશે.
આ મામલે VMC મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવા માટે VMCની સ્થાયી સમિતિ તેમજ જનરલ બોર્ડની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તાજેતરમાં જ યુસુફ પઠાણે આ પ્લોટ મામલે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અપીલ પાછી ખેંચી લીધી હતી.
આ વિવાદ વર્ષ 2012થી ચાલ્યો આવે છે. તે સમયે યુસુફ પઠાણે પોતાના પરિવારના ઘરની બાજુમાં આવેલી આ જમીન 99 વર્ષના લીઝ પર ફાળવવાની માંગણી કરી હતી. પોતાની અરજીમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની સુરક્ષા સંબંધિત ચિંતાઓનો હવાલો આપીને બાજુની આ જમીન રહેણાંક ઉપયોગ માટે અનુકૂળ હોવાની દલીલ કરી હતી.
લાંબા સમયથી કાનૂની અને પ્રશાસકીય પ્રક્રિયાઓમાં અટવાયેલા આ મામલે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ હવે સ્થાનિક સ્તરે કોર્પોરેશનની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.
ક્રિકેટર યુસુફ પઠાણની જમીન ફાળવણીનો મામલો ફરી ચર્ચામાં
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ક્રિકેટર યુસુફ પઠાણને કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ ભેટ અને રાહત દરે ફાળવવાનો નિર્ણય ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2012થી ચાલી રહેલા આ વિવાદમાં સુરક્ષાના કારણોસર જમીન માંગવામાં આવી હતી, અને હવે રાજ્ય સરકારની મંજૂરી બાદ તેને અંતિમ સ્વરૂપ આપવાની કવાયત ચાલી રહી છે. સામાન્ય જનતા અને કાયદાકીય પ્રક્રિયાઓ વચ્ચે આ પ્રકારના વીઆઈપી નિર્ણયો હંમેશાં ચર્ચા અને વિવાદને જન્મ આપતા હોય છે.