Loading Please Wait !!!
AAP MLA ચૈતર વસાવાને મોટો ઝટકો: હાઈકોર્ટે બંને અરજીઓ ફગાવી દીધી

 

  • નર્મદા કોર્ટના 7 વર્ષની સજાના ચુકાદા અને જામીન પર હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો

  • 2 વર્ષથી વધુ સજા યથાવત્ રહેતાં ડેડિયાપાડાના AAP ધારાસભ્યનું પદ રદ થવાની શક્યતા

  • વન વિભાગના કર્મચારીને ઘેર બોલાવી મારપીટ અને ફાયરિંગ મામલે દોષિત ઠર્યા હતા

સિટી ન્યુઝ @ અમદાવાદ

ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે ચૈતર વસાવા દ્વારા દાખલ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી તેમજ નીચલી અદાલતે ફટકારેલી સજાના ચુકાદા પર સ્ટે મૂકવાની માંગ કરતી બંને મહત્વપૂર્ણ અરજીઓ આખરે ફગાવી દીધી છે.

લાંબી કાનૂની દલીલો અને સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલો મૂળ ચુકાદો યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મહત્વનું અવલોકન નોંધતાં જણાવ્યું હતું કે જાહેર જીવનમાં રહેલા જનપ્રતિનિધિને આવા ગંભીર ગુનામાં રાહત આપવાથી સમાજમાં ખોટો અને નકારાત્મક સંદેશો જશે. આ કેસમાં 2 વર્ષ કરતાં વધુ એટલે કે 7 વર્ષની કેદની સજા યથાવત્ રહેવાના કારણે કાયદાકીય જોગવાઈઓ મુજબ હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે તેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે.

સમગ્ર મામલાની વિગત અનુસાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આરોપીઓ પર વન વિભાગના સ્થાનિક અધિકારીને બળજબરીપૂર્વક પોતાના ઘરે બોલાવીને માર મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ હવામાં ભય ફેલાવવા ફાયરિંગ કરવાના આરોપો લાગ્યા હતા. આ મામલે પોલીસે IPC તેમજ આર્મ્સ એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી.

નર્મદા કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા, તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ સજા સામે રાહત મેળવવા માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

નોંધનીય છે કે આ કેસમાં અગાઉ હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત 5 સહ-આરોપીઓની જામીન અરજી મંજૂર કરી હતી, કારણ કે તેઓ ઘટનામાં મુખ્ય ભૂમિકામાં નહોતા. જોકે મુખ્ય આરોપી તરીકે ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની કાનૂની રાહત ન મળતાં હવે તેમનું રાજકીય ભવિષ્ય અને ધારાસભ્ય પદ જોખમમાં મુકાઈ ગયું છે.

ચૈતર વસાવાને હાઈકોર્ટનો ઝટકો: ધારાસભ્ય પદ જોખમમાં

ગુજરાત હાઈકોર્ટે ડેડિયાપાડાના AAP MLA ચૈતર વસાવાની જામીન અને 7 વર્ષની સજા પર સ્ટે માંગતી બંને અરજીઓ ફગાવી દીધી છે. વન અધિકારી પર હુમલો અને ફાયરિંગ કેસમાં નીચલી કોર્ટનો ચુકાદો યથાવત્ રહેતાં કાયદા અનુસાર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની શક્યતા ઊભી થઈ છે. કોર્ટે કહ્યું કે રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશો જશે.