Loading Please Wait !!!
મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ

 

  • પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓ અણઉકેલાયેલ

  • સરકારી કચેરીઓમાં આવક અને જાતિના દાખલા ઠપ

  • માસ સીએલના વિરોધ પ્રદર્શન બાદ ઉગ્ર પગલાં

સિટી ન્યુઝ @ રાજકોટ

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. અગાઉ માસ સી.એલ. (Mass CL) ના વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સકારાત્મક પ્રતિસાદ ન મળતા, આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ અચાનક હડતાળના કારણે રાજ્યભરની સરકારી કચેરીઓમાં આવકનો દાખલો, જાતિના દાખલા, વિધવા સહાય જેવી મહત્વપૂર્ણ જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે.

રાજકોટ જિલ્લાના મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાંથી આશરે 11,000 થી 12,000 જેટલા મહેસૂલી કર્મચારીઓ આ હડતાળમાં સક્રિયપણે જોડાયા છે. જેમાં માત્ર રાજકોટ જિલ્લાની જ વાત કરીએ તો તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા કલેક્ટર કચેરીના તમામ વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ સહિત અંદાજે 450 જેટલા કર્મચારીઓ સરકારી કામગીરીથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યા છે.

મહાના આગેવાનો દ્વારા અગાઉ એક મહિના પહેલા રાજ્ય સરકારને આ તમામ પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક ઉકેલ ન લાવવામાં આવતા ગત સોમવારે કર્મચારીઓએ માસ સીએલ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આટલું કરવા છતાં પણ જ્યારે પ્રશ્નો અણઉકેલાયેલા જ રહ્યા, ત્યારે આખરે આજથી લાચાર બનીને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ફરજ પડી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.

વધુમાં મનીષ ગિધવાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમારા મહેસૂલી કર્મચારીઓ હંમેશા જાહેર રજાઓ અને ઓફિસ સમય પૂરો થયા પછી પણ પ્રજાના હિતના કાર્યો માટે ખડેપગે કામ કરતા હોય છે, જેથી સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનો સતત ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ આ વ્યાજબી અને ન્યાયી માંગણીઓ લાંબા સમયથી ન સંતોષાતા નાછૂટકે હડતાળનો આ કઠિન રસ્તો પસંદ કરવો પડ્યો છે. જેના કારણે સામાન્ય જનતાને પડી રહેલી અસુવિધા બદલ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

કર્મચારી મહામંડળ દ્વારા એ પણ ચીલો ચાતવામાં આવ્યો છે કે જ્યા સુધી સરકારી સ્તરેથી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની માંગણીઓનો સકારાત્મક અને લેખિત ઉકેલ નહીં લાવવામાં આવે, ત્યા સુધી આ હડતાળ અનિશ્ચિત સમય માટે અવિરત ચાલુ રહેશે. સરકારના વલણ પર હવે આગામી દિવસોમાં આંદોલનનું ભવિષ્ય નિર્ભર રહેશે, જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

પ્રશાસન અને કર્મચારી આંદોલન

કર્મચારીઓની વ્યાજબી માંગણીઓનો સમયસર નિકાલ ન આવવાથી થતી હડતાળો સીધી જ સામાન્ય પ્રજાના રોજિંદા સરકારી કાર્યોને ગંભીર રીતે પ્રભાવિત કરે છે.