Loading Please Wait !!!
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂંકમાં વિલંબ. ભાજપ અને સંઘ વચ્ચે ઉમેદવારને લઈને ખેંચતાણ.

 

  • પૂર્વ કુલપતિ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે.

  • સર્ચ કમિટીના નામો આપ્યાને એક મહિનો વીત્યો.

  • યુનિવર્સિટીમાં આંતરિક વિખવાદ અને રાજકારણ તેજ બન્યું.

સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંકને લઈને રાજકારણ ગરમાયું છે. વર્ષોથી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંક આરએસએસ (સંઘ) દ્વારા સૂચવવામાં આવતા નામોના આધારે થતી આવી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સંઘ દ્વારા અપાતું નામ ભાજપને પસંદ ન હોવાની ચર્ચાએ શિક્ષણ જગતમાં જોર પકડ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે ચાલી રહેલા વિવાદો અને આંતરિક ખેંચતાણને કારણે નવા કુલપતિની નિમણૂંકનું કોકડું ગૂંચવાયું છે, કારણ કે સંઘ અને ભાજપ વચ્ચે પસંદગીના ઉમેદવારને લઈને મતભેદ પ્રવર્તી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાની ટર્મ 30મી જૂને પૂરી થયા બાદ સરકારે ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ જોશીની નિમણૂંક કરી હતી. પૂર્વ કુલપતિ સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓની ફરિયાદો ઉઠ્યા બાદ પૂર્વ હાઈકોર્ટના જજ દ્વારા તપાસ ચાલી રહી છે, અને આ દરમિયાન ભાજપમાં જ આંતરિક વિખવાદ અને બદલાની રાજનીતિ જોવા મળી રહી છે. યુનિવર્સિટીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્વ કુલપતિ સામે જાહેર ફરિયાદ મંચ ઊભું કરાયું છે.

સર્ચ કમિટી દ્વારા ત્રણ નામો મોકલવામાં આવ્યા હોવા છતાં, ભાજપ અને સંઘ વચ્ચેની ખેંચતાણને કારણે એક મહિના પછી પણ નવા કુલપતિના નામ પર અંતિમ મહોર લાગી શકી નથી. ભાજપ પોતાના પસંદગીના ઉમેદવારને મૂકવા માંગે છે, જ્યારે અગાઉની નિયુક્તિઓ સંઘના માર્ગદર્શન મુજબ થતી હોવાથી આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

કાગળ પરની સર્ચ કમિટી, ફેંસલો તો હાઈકમાન્ડ જ કરશે!

ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂંક મામલે ભાજપ અને સંઘ વચ્ચે મતભેદો સામે આવ્યા છે. પૂર્વ કુલપતિ સામેના ભ્રષ્ટાચારના વિવાદો અને આંતરિક રાજકારણને કારણે સર્ચ કમિટી દ્વારા નામો મોકલવા છતાં એક મહિનાથી નામ ફાઇનલ થઈ શક્યું નથી, જેને લઈને શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.