ગુજરાતનો દરિયો 1600 થી વધી 2340 કિમી: બ્લ્યૂ ઈકોનોમી માટે ખુલશે નવા દ્વાર
- આધુનિક મેપિંગથી લંબાઈમાં 740 કિમીનો વધારો; ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકાર પાસેથી વધુ ફંડ મળવાની આશા
- જમીન ધોવાણને કારણે દરિયો અંદર તરફ ધસી રહ્યો છે; ખેતી અને રહેણાંક વિસ્તારો પર સંકટના વાદળો
- નવો દરિયો સર્જાયો નથી પણ ચોકસાઈ વધી; દક્ષિણ ગુજરાતના ઉદવાડામાં દરિયાઈ ધોવાણ ચિંતાનો વિષય
સિટી ન્યુઝ @ ગાંધીનગર : વર્ષ 2025 માં નેશનલ હાઈડ્રોગ્રાફિક ઓફિસ (NHO) દ્વારા કરવામાં આવેલા પુનઃ મૂલ્યાંકન બાદ ગુજરાતના દરિયાકાંઠાની સત્તાવાર લંબાઈ 1600 કિમીથી વધીને હવે 2340 કિમી નોંધાઈ છે. આ નવા સર્વેએ ગુજરાતને દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજ્ય તરીકે વધુ મજબૂત સ્થાન આપ્યું છે. જોકે, આ વધારા પાછળ ભૌગોલિક ફેરફારો કરતાં ટેક્નોલોજીકલ ચોકસાઈ વધુ જવાબદાર છે. નિષ્ણાંતોના મતે આ ફેરફાર વિકાસની અગણિત તકો લાવશે, પરંતુ સાથે જ પર્યાવરણીય પડકારો પણ ઉભા કરશે.
શા માટે વધી લંબાઈ? મરીન બાયોલોજિસ્ટ ડૉ. દિશાન્ત પારાશર્યના જણાવ્યા અનુસાર, આ કોઈ નવો દરિયો નથી બન્યો. અગાઉના સર્વેમાં જે નાના ક્રિક વિસ્તારો, ટાપુઓ અને ખાડીઓ ગણતરીમાં લેવામાં નહોતી આવી, તેને હવે હાઈ-રિઝોલ્યુશન સેટેલાઈટ ડેટાની મદદથી સચોટ રીતે માપવામાં આવી છે. આ ચોકસાઈના કારણે લંબાઈમાં આશરે 740 કિમીનો વધારો જોવા મળ્યો છે.
બ્લ્યૂ ઈકોનોમી અને વિકાસની તકો ઓશનોગ્રાફી નિષ્ણાંત નિષ્ઠા ચિમનાની મુજબ, વધેલી કોસ્ટલાઇન ગુજરાત માટે આર્થિક વરદાન સાબિત થઈ શકે છે. હવે રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોસ્ટલ ડેવલપમેન્ટ માટે વધુ ફંડની માંગ કરી શકશે. જેમ ગિફ્ટ સિટી ફાયનાન્સનું હબ છે, તેમ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મેરિટાઈમ યુનિવર્સિટી અને બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરો સ્થાપી શકાય છે. કોસ્ટલ એક્વાકલ્ચર અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે પણ અનેક નવી રોજગારીની તકો ઉભી થશે.
પર્યાવરણ અને જમીન ધોવાણનો ગંભીર ખતરો સિક્કાની બીજી બાજુ જોતા, નિષ્ણાંતોએ દરિયાઈ ધોવાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ઉદવાડા જેવા વિસ્તારોમાં દરિયો સતત જમીન ગળી રહ્યો છે. જમીન ધોવાણને કારણે દરિયો અંદર તરફ વધતા ફળદ્રુપ જમીન ખારી થઈ રહી છે, જે ખેતી માટે નુકસાનકારક છે. આ ઉપરાંત, નવા નોંધાયેલા વિસ્તારોમાં 'સાયકોરોલોસી ગુજરાતીકા' જેવી દુર્લભ અને એન્ડેમિક પ્રજાતિઓ હોવાની શક્યતા છે, જેમના સંરક્ષણ માટે સરકારે ખાસ પોલિસી બનાવવી પડશે.
ભવિષ્યનું આયોજન નિષ્ણાંતોએ સૂચન કર્યું છે કે વધેલા વિસ્તારની જૈવ-વિવિધતા અને હાઈડ્રોલોજીનો ઉંડો અભ્યાસ કરવો જરૂરી છે. બ્લ્યૂ ઈકોનોમીનો લાભ લેતી વખતે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને એક સંતુલિત નીતિ ઘડવી પડશે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો ગુજરાતનો આ 2340 કિમીનો દરિયો ભારતની આર્થિક પ્રગતિનું એન્જિન બની શકે છે.