Loading Please Wait !!!
હનુમાન ચાલીસાનો પાઠ દિવસમાં કેટલી વાર કરવો જોઈએ?

=> સનાતન ધર્મમાં હનુમાન ચાલીસાનું વિશેષ મહત્ત્વ

=> ભય અને નકારાત્મકતા દૂર કરવાની ઉત્તમ વિધિ

=> બ્રહ્મમુહૂર્તમાં પાઠ કરવાથી મળે છે વિશેષ ફળ

  • સિટી ન્યુઝ @ રાજકોટ

માન્યતા છે કે જે ભક્ત ખરા દીલથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના જીવનના દુઃખ-કષ્ટ ધીમે ધીમે દૂર થાય છે અને ઘર-પરિવારમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું વાતાવરણ બને છે. હનુમાન ચાલીસામાં કુલ 40 ચોપાઈઓ છે, જેમાં ભગવાન હનુમાનના પરાક્રમ, ભક્તિ, જ્ઞાન અને શ્રીરામ પ્રત્યેની અખંડ સેવા ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ કોઈપણ દિવસે અને કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ મંગળવાર અને શનિવાર ખાસ શુભ માનવામાં આવે છે.

સમયની વાત કરીએ તો બ્રહ્મમુહૂર્ત, એટલે કે સવારે લગભગ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય, હનુમાન ચાલીસા પાઠ માટે સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે આ સમયે મન શાંત રહે છે અને એકાગ્રતા સરળતાથી બને છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હનુમાન ચાલીસાનો પાઠ દિવસમાં 100 વાર કરવો અત્યંત શુભ માનવામાં આવે છે, જે ભક્તને વિશેષ આધ્યાત્મિક શક્તિ અને કૃપા અપાવે છે. જોકે દરેક વ્યક્તિ માટે 100 વાર પાઠ કરવો શક્ય નથી હોતો, તેથી ઓછામાં ઓછો 1 વાર અથવા 7, 11 કે 21 વાર પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નિયમિત હનુમાન ચાલીસા પાઠથી ભય, નકારાત્મકતા, માનસિક તણાવ અને અડચણો દૂર થાય છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પાઠ કરતી વખતે સ્વચ્છ સ્થાન પર બેસવું, ભગવાન હનુમાનનું સ્મરણ કરવું અને ઘી કે તેલનો દીવો પ્રગટાવવો શુભ છે. સૌથી મહત્વની વાત એ છે કે પાઠની સંખ્યા કરતાં શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા વધારે મહત્વ ધરાવે છે, કારણ કે ભક્તિપૂર્વક કરાયેલ એક પાઠ પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પૂરતો છે.

=> હનુમાન ચાલીસા પાઠના નિયમો

હનુમાન ચાલીસાનો પાઠ બ્રહ્મમુહૂર્તમાં કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવસમાં 100 વાર પાઠ કરવો અત્યંત ફળદાયી છે પરંતુ સમયના અભાવે ઓછામાં ઓછો 1 વાર અથવા 7 વાર પાઠ કરવાથી પણ ભય અને નકારાત્મકતા દૂર થઈને મનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.